અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેનાર 32 વર્ષીય એક મહિલા દ્વારા પોતાના ઘરમાં ચોરી થઈ હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. મહિલા દ્વારા નોંધાવામાં આવેલ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ચોરો તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને પતિના એપિલેપ્સીની સારવાર માટે બચાવીને રાખેલા 80 હજાર રૂપિયાની રોકડ રકમ તેમજ ઘરેણાં સહિત કુલ 1.80 લાખની ચોરી કરવામાં આવી હતી.
32 વર્ષીય દક્ષા ઠાકોર દ્વારા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે વસ્ત્રાપુર ગામમાં આવેલા ઠાકોરવાસમાં વસવાટ કરે છે. તેમને જણાવ્યું હતું કે, આ ઘટના 14 મી સપ્ટેમ્બરની રાતના ઘટી હતી.
આ બાબતમાં તેમણે જણાવ્યું છે કે, ચોરી થઈ તે દિવસે, તે રાતે પાણી પીવા માટે ઉઠી હતી અને ત્યારે ઘરનો મુખ્ય દરવાજો અડધો ખુલ્લો હોવાનું તેનું ધ્યાન ગયું હતું. આ સિવાય જેમાં તેને ઘરેણા અને રોકડ મૂકી હતી તે કબાટ પણ ખુલ્લું જોવા મળ્યું હતું. તેણે આ અંગેની જાણ સાસુ અને પતિને કરી હતી અને જ્યારે કબાટમાં તપાસ કરી તો પૈસા અને ઘરેણા ગુમ થઈ ગયા હતા.
ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે ‘મેં તે પૈસા મારા પતિની સારવાર માટે રાખેલા હતા, જેમને વાઈના કારણે અવારનવાર આંચકી આવતી રહેતી રહે છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે અને તેથી મેં તે પૈસા બચાવીને રાખેલા હતા પરંતુ તે ચોરી થઈ ગયા છે.
તેની સાથે તેમને એ પણ ઉલ્લેખ કર્યો છે કે, ચોરી થયા બાદ તેના પિયર પક્ષમાં કેટલાક સંબંધીના મૃત્યુ થયા હતા અને તેથી તે સમયસર ફરિયાદ દાખલ કરાવી શકી નહોતી. અંતે તેણે પોલીસનો સંપર્ક કર્યો અને અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. મહિલાના આક્ષેપોના આધારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.