બેંગલુરુઃ બેંગલુરુમાં હેલ્મેટ ન પહેર્યું હોય તેવા લોકોને ટ્રાફિક ડ્રાઈવ હેઠળ પોલીસ દંડ ફટકારતી હતી. જોકે, તેમાં એક વ્યક્તિ એવો નીકળ્યો હતો જેની વાત સાંભળીને પોલીસને પણ આશ્ચર્ય થયું હતું. ચિક્કાબાલાપુરા પોલીસે હેલ્મેટ વગર બાઈક પર નીકળેલા એક વ્યક્તિને અટકાવ્યો હતો. આ પછી એ વ્યક્તિએ એવી વાત કહી હતી. જેને સાંભળીને પોલીસને પણ ઝટકો લાગ્યો હતો.
દોસ્તને જ મારી છરી
સંદીપ નામનો આ વ્યક્તિ તેની સ્પોર્ટ્સ બાઈક લઈ હેલ્મેટ વગર નીકળ્યો હતો. જ્યારે પોલીસે તેને અટકાવ્યો ત્યારે તેણે લોહીવાળી છરી બહાર કાઢી હતી અને કબૂલ કર્યું હતું કે તેણે પોતાના દોસ્તને છરી હૂલાવી હતી. સંદીપે જણાવ્યું કે,’મને માફ કરજો સર, મેં મારા દોસ્તને છરી મારી છે. હું પોલીસ પાસે જ સરેન્ડર માટે જઈ રહ્યો હતો.’ આ પછી પોલીસે તેની પાસેથી છરી કબજે કરી હતી અને યુવકની અટકાયત કરી હતી.
આપ્યા હતાં એક લાખ
મૂળ ઉડુપીનો સંદીપ શેટ્ટી ચિક્કાબાલાપુરામાં રહે છે. તેણે પોતાના ફ્રેન્ડ અને બિઝનેસ પાર્ટનર દેવરાજને ચપ્પુ ઘોંપી દીધું હતું. આ પછી દેવરાજને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. હાલ દેવરાજની હાલત ગંભીર છે. ડેપ્યુટી એસપી પ્રભુશંકરે જણાવ્યું હતું કે,’સંદીપે દેવરાજને એક લાખ રુપિયા આપ્યાં હતાં. જેનું તેણે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું હતું. આ પછી જ્યારે સંદીપે રુપિયા પરત માગ્યા ત્યારે દેવરાજે રુપિયા આપવાની ના પાડી હતી.’
રિયલ એસ્ટેટ માટે આપ્યા હતા રુપિયા
બે વર્ષ પહેલા સંદીપે દેવરાજને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે રુપિયા આપ્યાં હતાં. દેવરાજે આ રુપિયા રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું કહ્યું હતું. આ પછી જ્યારે સંદીપ રુપિયા પરત લેવા માટે ગયો ત્યારે દેવરાજે ચોખ્ખી ના પાડી હતી. આ પછી સંદીપે છરી કાઢી હતી અને દેવરાજને પીઠ અને પેટના ભાગે ઈજા પહોંચાડી હતી. દેવરાજની ચીસો સાંભળીને આજુબાજુના લોકો મદદે આવ્યાં હતાં. જેથી સંદીપ ગભરાઈ ગયો હતો અને બાઈક લઈ નાસી છુટ્યો હતો. આ પછી તે ટ્રાફિક પોલીસના હાથે ચડ્યો હતો.