જૂનાગઢ જિલ્લામાં ફરી એક વખત લૂંટેરી દુલ્હનની ઘટના સામે આવી છે. જેમાં વંથલી તાલુકાના નાવડાગામના રહેવાસી એક યુવક દ્વારા પાલીતાણીની કહેવાતી યુવતી સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. તેમ છતાં આ યુવકના સપના પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે લગ્ન બાદ તેની સાથે સંસાર માંડનારી દુલ્હન વાસ્તવમાં એક લૂંટેરી દુલ્હન નીકળી હતી.
લગ્નના ચોથા જ દિવસે આ યુવતી ખરીદીના નામે કેશોદ જવાનું કહી અને ભાગી ગઈ હતી. આ ઘટના બાદ ભોગ બનનાર યુવક દ્વારા યુવતી તેના ભાઈ સહિત કુલ 6 આરોપીઓ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા આ બાબતમાં બોટાદની ગેંગ ઝડપી પાડવામાં આવી છે. આ યુવતી જોશના ઉર્ફે જિનલ એકવાર નહીં અનેકવખત આવી રીતે લગ્ન કરી નાસી છુટી છે.
નોંધનીય છે કે, વંથલીના નાવડા ગામે રહેનાર ફરિયાદી પ્રકાશ ભાલોડીયા દ્વારા પાલીતાણાની સોનલ સંજય ભાઈ વાવેડીયા સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. તેમ છતાં આ કરાર કરાવવા બદલ તેની પાસેથી દલાલ અને યુવતીના કથિત ભાઈ સહિતના વ્યક્તિઓએ 2 લાખ રૂપિયા પડાવી લીધા હતા. લગ્ન ઈચ્છુક પ્રકાશ ભાઈએ રાજીખુશીથી આ રકમ ચુકવી અને સોનલ સાથે સંસાર માડી દીધો હતો. તેમ છતાં આ યુવતી સોનલ નહીં પરંતુ બોટાદની જિનલ ઉર્ફે જોશના જાણવા મળ્યું હતું.
પોલીસ દ્વારા આ બાબતમાં બોટાદના અનિલ શેખલીયા, લાલજી શેખલીયા, મુખ્ય આરોપી લૂંટેરી દુલ્હીન જોશના ઉર્ફે જીનલ ધરોલીયા, કાલજ અનિલ શેખલીયા, રાજુ ધરોલીયા, જતીન નકુળ પાંચાળની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિઓ પાસેથી 80,00 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
જેમાં જાણવા મળ્યું છે કે, આ ગેંગ જોશના ઉર્ફે જિનલને જુદા-જુદા નામ ધારણ કરાવી અને ડોક્યુમેન્ટ નથી તેવુ કહીને લગ્ન કરાવતા હતા. ત્યારબાદ જોશના બે ત્રણ દિવસ રહી અને ત્યાં પરણી હોય ત્યાંથી ફરાર નાસી જતી હતી. આ અગાઉ આ રીતે જોશનાએ રાજકોટ શહેર, અમદાવાદ શહેર, અમરેલી જિલ્લામાં છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.
આ રીતે જૂનાગઢની વંથલી પોલીસ દ્વારા આ લૂંટેરી દુલ્હનના ખેલનો પર્દાફાશ કરી નાખવામાં આવ્યો છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં લૂંટેરી દુલ્હનના બનાવોએ વેગ પકડ્યું છે જ્યારે વધુ એક વખત લૂંટેરી દુલ્હનના કિસ્સાએ હાહાકાર સર્જ્યો છે.