દિલ્હી પોલીસની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની એટીએસની ટીમને એક મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ દ્વારા એવા ચોરની ધરપકડ કરવામાં આવી છે તેના વિશે સાંભળી તમે ચકિત થઈ જશો. દિલ્હી પોલીસની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની ટીમ દ્વારા દિલ્હી એનસીઆરમાંથી લગભગ 1000 કારની ચોરી કરનાર ચોરની ધરપકડ કરવામાં આવી છે.
જેમાં જાણવા મળ્યું છે કે, બીએસસી પાસ આ કરનાર ચોર 32 વર્ષનો હોવાનું સામે આવ્યું છે. બીએસસીમાં અભ્યાસ કર્યા બાદ તેને નોકરી ન મળતા અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે દિપક રાણા નામના આ ચોરે ગુનાખોરી રસ્તો અપનાવી લીધો હતો. જ્યારે તેની ધરપકડ બાદ દિલ્હી પોલીસ દ્વારા કારની ચોરી સિવાય હત્યાનો પ્રયત્ન, ઘરોમાં લૂંટફાટ જેવા 12 જેટલા કેસો ઉકેલી કાઢવામાં આવ્યા છે.
જ્યારે દિપક રાણા દ્વારા દિલ્હી એનસીઆર સિવાય ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં પણ ચોરી અને લૂંટફાટની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં દિપક દ્વારા કબુલવામાં આવ્યું છે કે, તેણે છેલ્લાં 3 વર્ષમાં 1000 થી પણ વધુ કારની ચોરી કરેલ છે. આ ચોરી કરવામાં આવેલ કારને તેણે મેરઠમાં વેચી દીધી હતી. તે એકલો જ ચોરી કરતો નહોતો પરંતુ ચોરોની એક આખી ગેંગને પણ ચલાવતો હતો. જેમાં હાલ માત્ર ત્રણ લોકો જ એક્ટિવ રહેલા છે.
દિપક ચાવીઓના પ્રોગ્રામિંગ ટૂલ્સને ઓપરેટ કરવામાં નિષ્ણાત છે. તેમની મદદથી તે લક્ઝુરીયસ કારને માત્ર 3 થી 5 જ મીનીટમાં ચોરી કરી લેવામાં નિષ્ણાત હતો. તેનો ભાગીદાર મોન્ટુ ઉર્ફે ચમ્પૂ ચોરીની કારને મેરઠ ડ્રાઈવ કરીને લઈ જતો અને ત્યાર બાદ તેને ઠેકાણે પાડી નાખતો હતો. ચોરીની કાર મેળવનારો શોએબ મલિક પોલીસના ભયના લીધે વિદેશ ભાગી ગયો છે. તેમના અન્ય એક સાથીદાર રમજીતને મોહાલી પોલીસ દ્વારા બે મહિના પહેલા દિલ્હીના વિકાસપુરી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસ દ્વારા આ આરોપીને ઘણા સમયથી શોધખોળ કરવામાં આવી રહી હતી. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના ડીસીપી શ્વેતા ચૌહાણ દ્વારા કહેવામાં આવ્યું છે કે, એટીએસની એક ટીમ દ્વારા આ ચોરને પકડવાની જવાબદારી લેવામાં આવી હતી. સર્વેલન્સ દ્વારા આ ચોરોની ગતિવિધીઓ પર વોચ રાખવામાં આવી રહી હતી. પોલીસ ટીમને એક સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. જેમાં ચોર માત્ર 3 થી 5 જ મીનીટમાં એક કારનું લોક ખોલી નાખતા અને તેની ચોરી કરી મેરઠ લઈને ચાલ્યા જતા હતા.
આ ચોરને પકડવા માટે દિલ્હી પોલીસ મેરઠ પહોંચી ગઈ હતી. ત્યારે તેને જાણ થઈ કે આ ચોરને પ્રોગ્રામિંગ ટૈબની ઘણી બધી જાણકારી છે. સીસીટીવી ફૂટેજના અનુસાર દિપક રાણાની તસ્વીર દિલ્હી પોલીસ પાસે આવી ગઈ હતી. પોલીસને જાણ થઈ કે, તે તેની પત્નીની સાથે શિમલા ગઈ રહ્યો છે. દિલ્હી પોલીસ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો અને એક હોટલમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસ દ્વારા આ ચોર પાસેથી પાંચ કાર, ફોર્ચ્યૂનર, ક્રેટા, કીયા, બ્રેઝા જેવી કારની 22 નકલી ચાવીઓ, હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ, અનેક કારના ઈસીએમ, કાર લોક અને એર પંપ પણ જપ્ત કરવામાં આવ્યા છે. તેમ છતાં હાલ દિપક રાણા દિલ્હી પોલીસની ધરપકડમાં આવી ગયો અને તેના ત્રણ સાથીદાર હજુ પણ ફરાર થયેલા છે. જેના કારણે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.