ભાવનગર શહેરમાં સૌથી મોટો સમૂહ લગ્નનું આયોજન પાટીદાર સમાજના લખાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજની માતા-પિતા વગરની 281 દીકરીઓના ધામધૂમથી લગ્ન થયા હતાં.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુભાઈ વાઘાણીએ પણ હાજરી આપી હતી. તેમનું સ્વાગત જીપમાં બેસાડી અને ઢોલ નાગાર વગાડીને કરવામાં આવ્યું હતું. તેમના ઉપરાંત મનસુખ માંડવીયા અને વિભાવરીબેને પણ હાજરી આપી હતી. તેમના ઉપરાંત ખોડલધામના નરેશ પટેલે પણ હાજરી આપી હતી. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણીએ પણ હાજરી આપીને તરત નીકળી ગયા હતા.
આ સમૂહ લગ્નનો નજારો ડ્રોનથી ઉતારવામાં આવ્યો હતો.
લાડકડી શિર્ષકથી થયેલા આ સમુહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથીથી જોડાનારી દીકરીઓ માટે ઓમ પાર્ટી પ્લોટ, ચિત્રા ખાતે મહેંદી રસમ યોજાઇ હતી તેમજ લાડકડીઓના પરિવારજનો માટે દાંડીયારાસ રાખવામાં આવ્યાં હતા.
કરિયાવરમાં દીકરીઓને રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એર કૂલર, 12 જોડી કપડા, સ્ટીલનો પલંગ, બ્લેન્ડર, સ્ટીલનો કબાટ, ખુરશી નંગ-6, પંખા, ટીપોઇ વગેરે આપવામાં આવ્યું હતું.
આયોજક પરિવાર દ્વારા કન્યાઓને જીવન જરૂરિયાતની ગૃહઉપયોગી અનેક ચીજવસ્તુઓ કરીયાવર સ્વરૂપે અપાઇ છે. તે ઉપરાંત સરકારી યોજનાઓ જેવી કે સપ્તપદીના સાત ફેરા સમૂહ લગ્ન યોજના અને કુંવરબાઇના મામેરાના લાભ મળે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે.
અહીંયા મેગા રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં 1000 બોટલ રક્તનો ટાર્ગેટ પુરો થયો હતો.