વર્ષો પહેલા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર થયેલા પોલીસ દમન અંગે આજે કોર્ટમાં હાર્દિક પટેલ હાજર રહ્યો હતો. જોકે, પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે કોર્ટ બહાર નિવેદન આપ્યું હતું. તેણે નિવેદન આપતા કહ્યું હતું કે, જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર સરકારે પોલીસ તંત્રનોદુરઉપયોગ કર્યો હતો. સ્વતંત્ર ભારતમાં જલિયાવાલા બાગમાં થયેલા અત્યાચાર જેવો જ અત્યાચાર જીએમડીસી ગ્રાઉન્ડમાં નિર્દોષ યુવાનો ઉપર થયો હતો.
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે કરેલા દમન અને અત્યાચાર બાબતે અત્યાર સુધીમાં મંચ ઉપર ઉપસ્થિત હોય તેવા લોકોએ જુબાની આપી છે. હું અઢારમો વ્યક્તિ છું જે સરકાર સામે પોતાના વિરોધનો અવાજ કોર્ટમાં પણ રજૂ કરશે.
સાથે સાથે મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં થનારી ચૂંટણીના પ્રચાર બાબતે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, બેઇમાન સામે ઇમાનદારની લડાઇ છે. બેઇમાન દેશને લૂંટી રહ્યો છે. આ વારો આવશે તો વ્યક્તિના કપડાં પણ ઉતારી લેશે.
રામ મંદિર બાબતે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, એનડીએ 10 વર્ષ દેશ ઉપર શાસન કર્યું પણ રામ મંદિર બનાવવાની ભાજપની દાનત નતી. જો દાનત હોત તો દસ વર્ષના શાસનમાં મંદિર બનાવવા માટે કામ શરૂ થઇ ગયું હોત.
ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટ 2015ના દિવસે ગુજરાત ભરના લાખો પાટીદારો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર લાખોની સંખ્યામાં પાટીદારો પોતાના હક માટે એકઠાં થયા હતા. જોકે, આ દિવસની સમી સાંજે પોલીસના કાફલા દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉપસ્થિત પાટીદાર યુવાના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સમગ્ર ગુજરાત ભડકે બળ્યું હતું.
આખા ગુજરાતમાં ફાટી નિકળેલી હિંસામાં અનેક પાટીદાર યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે અનેક પાટીદાર યુવાનો જેલ ભેગા થયા હતા. હજી પણ કેટલાક પાટીદાર જેલના સળિયાપાછળ છે. અનેક ઉપર કેસો ચાલી રહ્યા છે.