સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં પોલીસ અધિકારીઓ અને રાજકીય નેતાઓની સંડોવણીના આક્ષેપો વચ્ચે મુંબઈમાં ચાલી રહેલા આ કેસમાં રોજ નવા વળાંક આવે છે. આ કેસમાં હવે તપાસનીશ અધિકારી સંદિપ તામગડેએ મોટા ખુલાસાઓ કર્યા છે. જેમને દાવો કર્યો છે કે, તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં હાલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહ, આઈપીએસ ઓફિસર વણઝારા, દિનેશ એમ.એન, રાજકુમાર પાંડિયન સહિતના અધિકારીઓની સંડોવણી છે. તામગડેનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મોટાભાગના સાક્ષીઓ આ કેસમાં ફરી ગયા છે. તામગડે એ નાગાલેન્ડ કેડરના આઇપીએસ ઓફિસર છે. જેઓએ આ કેસમાં 210 સાક્ષીઓની ઉલટ તપાસ કરી છે. હાલમાં તેઓ ડેપ્યુટી ઇન્સપેક્ટર ઓફ પોલીસની પોસ્ટ પર કોહિમામાં છે. જેઓ વર્ષ 2011થી 2015માં સીબીઆઇમાં અલગ અલગ પોસ્ટ પર ફરજ બજાવી ચૂક્યા છે.
અધિકારીઓ નિવેદન પર કાયમ
સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાંથી નેતાઓ, વેપારીઓ અને મોટા ઓફિસરો પરના આરોપો ભલે ફગાવી દેવામાં આવ્યા હોય પરંતુ તપાસ સાથે જોડાયેલા અધિકારીઓ હજુ પણ પોતાની તપાસના તથ્યો પર કાયમ છે અને અદાલતમાં કાયદેસર પોતાના નિવેદનો નોંધાવી રહ્યા છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, આઈપીએસ ઓફિસર દિનેશ એમ.એન., રાજકુમાર પાંડીયન અને ડી.જી. વણઝારા કથીત રીતે ૨૦૦૬માં ગુજરાતમાં થયેલા તુલસીરામ પ્રજાપતિના નકલી એન્કાઉન્ટરના મુખ્ય ષડયંત્રકારો હતા. ગુજરાતમાં થયેલા આ એન્કાઉન્ટરની તપાસ કરી રહેલા મુખ્ય તપાસ અધિકારીએ સ્પેશ્યલ કોર્ટમાં આ દાવો કર્યો હતો. એપ્રિલ ૨૦૧૨થી આ કેસની તપાસ કરી રહેલા સંદીપ તામગડેએ કોર્ટને એમ પણ જણાવ્યુ હતુ કે, આ રાજનેતાઓ અને અપરાધીઓની સાંઠગાંઠનું પરિણામ હતું. જેમાં અમિત શાહ અને રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારીયા કથીત રીતે એ રાજનેતા હતા જેમણે ૨૦૦૪માં જાણીતા બિલ્ડરોની ઓફિસોમાં આગ લગાડવા માટે સોહરાબુદ્દીન શેખ, તુલસીરામ અને આઝમખાન જેવા અપરાધીઓનો ઉપયોગ કર્યો હતો.
રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓને થયો છે ફાયદો
અમિતાભ ઠાકુર દ્વારા અદાલતમાં દાવો કર્યો છે કે સોહરાબુદ્દીન શેખ કથિત નકલી એન્કાઉન્ટર મામલામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહીત ગુજરાતના ભૂતપૂર્વ આઈપીએસ ડી. જી. વણઝારા, દિનેશ એમએન, રાજકુમાર પાંડિયન અને અભય ચુડાસમાને આર્થિક અને રાજકીય ફાયદો પહોંચ્યો હતો. સોહરાબુદ્દીન કથિત નકલી એન્કાઉન્ટર બાદ પોપ્યુલર બિલ્ડરના માલિક પટેલ બંધુઓએ શાહને કથિતપણે ત્રણ વખત 70 લાખ રૂપિયા પહોંચાડયા હતા. 2010ની ચાર્જશીટ મુજબ અમિત શાહે કથિતપણે પટેલ બંધુઓ પાસેથી 90 લાખ રૂપિયાની માગણી કરી હતી.
ભૂતપૂર્વ આઈપીએસ ડી. જી. વણઝારાને પણ કથિતપણે 60 લાખ રૂપિયાનો આર્થિક ફાયદો પહોંચાડવાનો આરોપ છે. આમના સિવાય આ મામલામાં સામેલ અન્ય પોલીસ અધિકારીઓને આ એન્કાઉન્ટરમાંથી કોઈ ફાયદો નહીં પહોંચ્યો હોવાની વાત કહેવામાં આવી છે. જો કે પોતાના આરોપોને સાબિત કરવા માટે ભૂતપૂર્વ તપાસ અધિકારી અમિતાભ ઠાકુર પાસે જરૂરી પુરાવા ઉપલબ્ધ ન હતા. જે અધિકારીઓ પર અમિતાભ ઠાકુરે ફાયદો મળ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમને 2014થી 2017ના સમયગાળાની વચ્ચે ટ્રાયલ કોર્ટે આ મામલામાંથી બરી કર્યા હતા.
ટ્રાયલ કોર્ટે પૂરાવાના અભાવે છો઼ડી મૂક્યા
મુખ્ય તપાસ અધિકારી સંદીપ તામગડેએ એવો દાવો પણ કર્યો છે કે આરોપીઓના કોલ ડેટા રેકોર્ડસથી સાબિત થાય છે કે આ લોકોએ જ ગુન્હાના ષડયંત્ર રચ્યુ હતું. તામગડેને જ્યારે પૂછવામાં આવ્યુ કે, શું કોઈ કોલ ડેટા રેકોર્ડસની તપાસ દરમિયાન ષડયંત્રની જાણ થઈ હતી કે કેમ ? તો તેમણે સકારાત્મક જવાબ આપતા કહ્યુ હતુ કે, ક્રોસ એકઝામીનેશન દરમિયાન અધિકારીએ બાબત માટે સહમત થયા કે કોલ ડેટા રેકોર્ડસ કોઈ ખાસ સમય પર કોઈ વ્યકિતના સ્થળની જાણ મેળવવા માટે સૌથી સારો પુરાવો છે. જ્યારે બચાવ પક્ષના વકીલોએ એવા લોકોના નામ આપવામાં કહ્યુ જેમના કોલ ડેટા રેકોર્ડસમાં નામ છે અને ષડયંત્ર રચ્યુ છે તો તામગડેએ અમિત શાહ, દિનેશ એમ.એન, વણઝારા, પાંડીયન, વિપુલ અગ્રવાલ, આશિષ પંડયા, એન.એચ. ડાભી અને જી.એસ. રાવના નામ આપ્યા હતા. જેમાં પંડયા, ડાભી અને રાવ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. જ્યારે બીજાઓને સાક્ષીઓ નહીં મળવાના કારણે છોડી મુકવામાં આવ્યા હતા. સીબીઆઈએ કથીત અપરાધથી પહેલા અને પછી આરોપીઓમાં આ પુરૂષના કોલ ડીટેઈલ્સ સામેલ કર્યા હતા. ટ્રાયલ કોર્ટે ત્યારે એ આરોપીઓને છોડી મુકતા કહ્યું હતું કે તેમની વિરૂદ્ધ કોઈ પુરાવા નથી.
૨૮ ડીસેમ્બર ૨૦૦૬ના રોજ તુલસીરામનુ ગુજરાતમાં મોત થયુ હતું
અત્રે એ નોંધનીય છે કે, ૨૮ ડીસેમ્બર ૨૦૦૬ના રોજ તુલસીરામનુ ગુજરાતમાં મોત થયુ હતું. રાજસ્થાનના પોલીસ અધિકારીઓને દાવો છે કે, અમદાવાદ કોર્ટમાં સુનાવણી દરમિયાન ઉદેપુર જેલ જતી વખતે તે અટકાયતમાંથી ભાગી ગયો હતો. સીબીઆઈનું કહેવુ છે કે, તુલસીરામ અને સોહરાબુદીને પોલીસ કર્મચારીઓ અને રાજનેતાઓની સાથે મળીને ખંડણીનુ રેકેટ ચલાવ્યુ હતું. તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે ૨૩ નવેમ્બર ૨૦૦૫ના રોજ સોહરાબુદીન, તેની પત્નિ કૌસરબી અને તુલસીરામના અપહરણનું ષડયંત્ર રચાયું હતુ.
અમિત શાહનું પણ નિવેદન મે લીધું હતું
ગઈકાલે તામગડેએ કોર્ટને જણાવ્યુ હતુ કે જ્યારે મેં એપ્રિલ ૨૦૧૨માં તપાસ સંભાળી તો મારા અગાઉના લોકોએ સોહરાબુદીન મામલાનો એક મોટો હિસ્સો પુરો કરી લીધો હતો. તેમણે કહ્યુ હતુ કે રાજસ્થાનના એક મારબલના વેપારી કટારીયા અને વિમલ પટણીના નિવેદનો નોંધાયા હતા, જ્યારે ડીફેન્સ વકીલ વહાબ રીયાજને પૂછાયુ તો તેણે કહ્યું હતું કે પુરાવા નષ્ટ થઈ ગયા છે કે નષ્ટ કરી દેવામાં આવ્યા છે. જો કે તેણે છોડી મુકવામાં આવ્યો હતો અને ત્યારથી કોર્ટે તેને સવાલ પુછવાની પરવાનગી નથી આપી. મુખ્ય તપાસ અધિકારીએ એક સવાલના જવાબમાં જણાવ્યુ હતુ કે, એ વખતના આરોપી અમિત શાહ, કટારીયા અને વિમલ પટણીના નિવેદન મેં ખુદ લીધા હતા અને તેના પર હસ્તાક્ષર પણ કર્યા હતા