સુરત શહેરના જાણીતા હીરાઉદ્યોગપતિ અને એસઆરકે ગ્રુપના ફાઉન્ડર ગોવિંદ ધોળકિયાને લિવરની બીમારીની સારવાર ચાલી રહી હતી. જે ઉધોગપતિ ગોવિંદ ધોળકિયાનું લીવર ટ્રાન્સફર સફળ ઓપરેશન બાદ આજે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જો કે આ લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ ઝડપી રિકવરીનો પ્રથમ કેસ બન્યો હોવાનું સામે આવ્યું છે.
ઉધોગપતિ ગોવિંદ ધોળકિયાનું લીવર ટ્રાન્સફર સફળ ઓપરેશન બાદ માત્ર નવ દિવસમાં સારી રિકવરી જોવા મળી છે. જેમનું લીવર ટ્રાન્સફર કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ત્યારે આ સફળ ઓપરેશન બદલ ગોવિંદભાઈએ હોસ્પિટલને 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
આ ઉપરાંત હોસ્પિટલના 1500થી વધુ કર્મચારીઓને એકસાથે બે-બે હજાર રૂપિયા આપ્યા હતા. જે શહેરની કોઈ હોસ્પિટલમાં એકસાથે તમામ કર્મચારીઓને આટલી રકમ ભેટ આપવામાં આવી હોય તેવો આ પ્રથમ બનાવ હોવાનું સામે આવ્યું છે.
ગોવિંદભાઈને ડિસ્ચાર્જ આપ્યા બાદ આ લીવર ટ્રાન્સફરના સફળ ઓપરેશન બાદ આ મુદ્દે કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણીએ જણાવ્યું હતું કે, જે સુરતની કોઈ હોસ્પિટલમાં આ પ્રથમ વખત લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે અને તે પણ અમારા સમસ્ત પાટીદાર સમાજ આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાનું કરવામાં આવ્યું છે.
જો કે આ ગોવિંદભાઈના લિવરનું ઓપરેશન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું અને તેઓ હાલમાં સ્વસ્થ થઈને ઘરે પાછા ગયા છે. જો કે સુરતની અનેક રીતે ઓળખ છે પરંતુ લિવર ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થતાં મેડિકલ ક્ષેત્રમાં આ એક નવી યશકલગી વધુ ઉમેરાઈ ગઈ છે. 2 હજારથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર ખ્યાતનામ સર્જન ડો.રવિ મોહન્કાએ તેમનું ઓપરેશન કર્યું હતું.
નોંધનીય છે કે, છેલ્લા ત્રણેક વર્ષથી શહેરના અગ્રણી હીરાઉદ્યોગપતિ અને એસઆરકે ગ્રુપના ફાઉન્ડર ગોવિંદ ધોળકિયાને લિવરની બીમારીની સારવાર ચાલી રહી હતી. જો કે, હાલમાં જ તેમને ઓર્ગન ડોનેટ મળી જતા કિરણ હોસ્પિટલમાં તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. 2 ઓક્ટોબરે દાખલ થયા બાદ ગઈકાલે 12મી ઓક્ટોબરે સોમવારે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેઓ હાલમાં સ્વસ્થ છે. અને તેમનામાં ઝડપથી રિકવરી જોવા મળી છે.
તમને જણાવી દઈએ કે, ગોવિંદભાઇ સુરતના સૌથી અગ્રણી હીરાના વેપારી છે. તેઓ રામકૃષ્ણ ડાયમંડના માલિક છે. તેઓ અમરેલી જિલ્લાનાં દૂધાળા ગામના વતની છે. 13 વર્ષીય ઉંમરમાં સુરત હીરા ઘસવાના કામ સાથે જોડાયા હતાં. બાદમાં વર્ષ 1970માં પોતાનું હીરા પોલિશ્ડ કરવાનું કારખાનું શરૂ કરતા સફળતા મળતાં હાલમાં ‘શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ’ કંપનીમાં 5,000થી વધારે રત્નકલાકારોને રોજગારી મળી રહી છે. ગોવિંદ ધોળકિયાએ રામ મંદિરમાં 11 કરોડ રૂપિયા દાન કર્યું છે. ગોવિંદભાઈને વલસાડના યોગશિક્ષિકા રંજનબેનના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.