ચહલ પર જાતિય ટિપ્પણી કરવા મામલે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની ધરપકડ

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ભૂતપુર્વ ક્રિકેટર યુવરાજ સિંહ અવારનવાર તેમના સોશિયલ મીડિયા સ્ટેટમેન્ટના કારણે ચર્ચાઓમાં બન્યા રહે છે. આ સમયે યુવરાજ સિંહ જાતિગત ટિપ્પણીના લીધે વિવાદમાં ફસાઈ ગયા છે.

જાતિગત ટિપ્પણીના લીધે હરિયાણાના હિસ્સાર જિલ્લામાં યુવરાજ સિંહની ધરપકડ કરાઈ હતી. તેમ છતાં બાદમાં તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. ફરિયાદી રજત કલસનન દ્વારા હાંસી પોલીસ સ્ટેશનમાં એસસી એસટી એક્ટ હેઠળ એફઆઈઆર દાખલ કરાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. હાઈકોર્ટના આદેશો મુજબ યુવરાજ સિંહને આગોતરા જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.

ગત વર્ષે લોકડાઉન દરમિયાન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ટિકટોક પર પોતાના ડાન્સની સાથે વિડીયો શેર કર્યો હતો. આ અંગે ઈન્સ્ટાગ્રામ પર રોહિત શર્મા સાથે વાતચીત કરતા દરમિયાન યુવરાજ સિંહ દ્વારા જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યાર બાદ ક્રિકેટર યુવરાજ સિંહ સામે સોશિયલ મીડિયામાં લોકો દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તે દરમિયાન યુવરાજ સિંહ માફી માગો અને યુવરાજ સિંહની ધરપકડ કરો જેવાં હેશટેગ પણ ટ્રેન્ડ શરુ થઈ ગયા હતા.

જ્યારે સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો થતા જ યુવરાજ સિંહને પોતાની ભૂલનો અનુભવ થયો અને આ બાબતમાં તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માફી પણ માગી લીધી હતી. માફી માગતા જ યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ કરવા માગું છું કે, મેં કોઈપણ જાતિ, રંગ, વર્ણ અને લિંગને લઈને કોઈપણ પ્રકારની અસમાનતામાં ભરોસો કરેલ નથી. હું મારું જીવન લોકોની ભલાઈમાં સમર્પિત કરી રહ્યો છુ અને આજે પણ તે ચાલુ જ છે. હું કોઈપણ અપવાદ વગર દરેક વ્યક્તિગત જીવનના ગૌરવ અને સન્માનમાં વિશ્વાસ રાખું છું.

આ સિવાય યુવરાજ સિંહ દ્વારા પોતાની પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, હું સમજી શકું છું કે, જ્યારે હું મારા મિત્ર સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે મારી વાતનો ખોટો અર્થ સમજી લેવાયો છે, જે નિરાધાર રહેલ છે. તેમ છતાં એક જવાબદાર ભારતીય હોવાને લીધે હું એ કહેવા ઇચ્છુ છુ કે, જો મે કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડી છે તો હું તેના પર દુઃખ વ્યક્ત કરું છુ. ભારત અને તેના લોકો માટે મારો પ્રેમ હંમેશા સર્વોપરી જ રહેશે.

Scroll to Top