સુરતઃ ગુજરાતના ડાયમન્ડ સિટી સુરતે આમ તો અનેક લોકોના નસીબ ચમકતા જોયા છે પરંતુ તેમાંય સુરેશ લાલનની ચમક કંઈક ઓર જ છે. 10 વર્ષની વયે પોલીયોનું ઈન્ફેક્શન થતા તેમને 80 ટકા શારીરિક વિકલાંગતાનો સામનો કરવો પડ્યો. એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલવા ઘોડીનો સાથ આવશ્યક બની ગયો. પરંતુ કુદરતના આ પડકાર સામે હાર માને એ બીજા! આજે તેમણે સુરતની 80,000 કરોડની ડાયમન્ડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની વિશેષ ઓળખ બનાવી છે. સતત 20 વર્ષ સુધી તેમણે સુરતની વિવિધ ડાયમન્ડ ફેક્ટરીઓમાં કઠોર પરિશ્રમ કર્યો. તમને જાણીને નવાઈ લાગશે કે આજે લાલન પોતે એક ડાયમન્ડ ફેક્ટરીના માલિક છે જેમાં 150 જેટલા કર્મચારીઓ કામ કરે છે.
48 વર્ષની વયે લાલન એક સફળ હીરાના ઉત્પાદક અને નિકાસકાર છે. કામ પ્રત્યેની તેમની ધગશને સરાહવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે 3 ડિસેમ્બરે નેશનલ એવોર્ડ ફોર એમ્પાવરમેન્ટ ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટિઝ (દિવ્યાંગજન)- 2018 એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા યોજવામાં આવે છે. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં લાલને જણાવ્યું, “બાળપણમાં મારુ સપનુ હતુ કે હું ડોક્ટર બનુ. મેં SSCમાં ફર્સ્ટ ક્લાસ મેળવ્યો હતો અને HSCમાં સાયન્સ પસંદ કર્યું. પરંતુ 80 ટકા વિકલાંગતાને કારણે મને મેડિકલ કૉલેજમાં એડમિશન ન મળ્યું. મેં પછી મારો વિચાર બદલી નાંખ્યો અને હીરા ક્ષેત્રે નામ ઉજાળવાનું નક્કી કર્યું.”
આ રીતે શરૂ થયો સંઘર્ષઃ
બનાસકાંઠાના ભરડાવા ગામના વતની લાલન 1990માં સુરતમાં આવ્યા હતા. ત્યાં એક મોટી ડાયમન્ડ કંપનીમાં તેમને નોકરી મળી. શરૂઆતના વર્ષોમાં સંઘર્ષ બાદ તેમને ઉત્તરોત્તર પદોન્નતિ મળતી ગઈ અને તે પ્રોડક્શન હેડ બની ગયા. તેમના હાથ નીચે 600 કારીગરો કામ કરતા હતા. તેમણે જણાવ્યું, “મેં હીરાની ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ કામ કર્યા બાદ મારો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. 2011માં મેં મારી પોતાની ફર્મ સ્પાર્કલ ડાયમન્ડ શરૂ કરી. ત્યારે તેમાં 5 જ કારીગરો હતા. આજે મારે ત્યાં 150 કર્મચારીઓ છે.”
માતા-પિતાને શ્રેય આપ્યોઃ
પોતાની સફળતાનો શ્રેય તે પોતાના માતા-પિતા અને જૈન પરિવારને આપે છે. તેમના પિતા શાંતિલાલ લાલન ગામમાં નાનો કરિયાણાનો વેપાર ચલાવે છે. માતા ગોમતીબેન હાઉસ વાઈફ છે. પુત્રની ટ્રીટમેન્ટ માટે પૈસા બચાવવા પિતાએ ઘણી મહેનત કરી હતી. 1994માં તે પુત્રને વિશાખાપટ્ટનમ પણ લઈ ગયા હતા. અગાઉ સુરેશે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ભાંખોડિયા ભરવા પડતા હતા. ટ્રીટમેન્ટ પછી તે ઘોડીની મદદથી ઊભા રહેતા થયા. લાલન જણાવે છે, “હું હંમેશા તેમનો ઋણી રહીશ. તેમણે મારી ટ્રીટમેન્ટ માટે પૈસા ભેગા કરવા દિવસ રાત મહેનત કરી છે. હું મારા પિતાના પ્રયત્નોને કારણે જ વિશાખાપટ્ટનમ સર્જરી માટે જઈ શક્યો હતો અને ક્રચીસની મદદથી ચાલી શકું છું. આ રાષ્ટ્રીય એવોર્ડ હું મારા માતા-પિતાને અર્પણ કરુ છું.”
થોડા જ વર્ષમાં બિઝનેસમાં પ્રગતિઃ
લાલનની ડાયમન્ડ કંપનીને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 2018માં સ્ટાર એક્સપોર્ટ હાઉસની માન્યતા આપી દેવાઈ હતી. એનો અર્થ એ કે આ એક એવા ઈન્ડિયન એક્સપોર્ટર છે જેમણે આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં સારુ પ્રદર્શન કર્યું છે અને ત્રણમાંથી બે નાણાંકીય વર્ષમાં અમુક કરતા વધારે રકમનું એક્સપોર્ટ કર્યું છે. આ માટે કંપની પાસે IE કોડ (ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કોડ) હોવો જરુરી છે. આ સ્ટેટસ મેળવનાર એક્સપોર્ટરને વિવિધ લાભ મળે છે.