ઓમ શાંતિ: વડોદરાના 23 વર્ષીય યુવાનનું કેનેડામાં મોત, ક્લિફ જમ્પિંગ કરતા સમયે ડૂબી જવાથી થયું મોત

કેનેડાના ટોબરમોરી ખાતે ક્લિફ જમ્પિંગ કરતી વખતે પાણીમાં ડૂબી જતા વડોદરાના 23 વર્ષના રાહુલ નામના વિદ્યાર્થીનું કરુણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના વારસિયા વિસ્તારનો આ યુવક પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે કેનેડા ગયેલો હતો. તેનો અભ્યાસ પૂર્ણ થતા જ તે મિત્રો સાથે ફરવા માટે ગયો હતો. આ દરમિયાન આ કરુણ ઘટના બની હતી. જેના કારણે પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

જ્યારે તેના પિતા સુનિલભાઈ માખીજા ઘડિયાળી પોળમાં કપડાની દુકાન ચલાવે છે. ત્યાર બાદ સાંસદ રંજનબેન ભટ્ટ પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા. સાંસદના પ્રયાસોથી શુક્રવારના મૃતદેહ વડોદરા લાવવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાહુલ મખીજાએ અભ્યાસ પૂર્ણ કરીને નોકરી માટે અરજી પણ કરી હતી. અભ્યાસ પૂર્ણ થવાની ખુશીમાં મિત્રો સાથે ટોરેન્ટોથી 300 કિલોમીટર દૂર ટોબરમોરી ખાતે ફરવા માટે ગયો હતો. જેમાં તા. 20 ઓકટોબરના મિત્રો સાથે પર્વત પરથી ઠંડા પાણીના તળાવમાં કૂદકા મારવાની રમત રમી રહ્યો હતો. આ દરમિયાન એક મિત્ર યસ કોટડીયા પાણીમાં ઠંડા પાણીમાં ડૂબી ગયો હતો પરંતુ તેના હાથમાં પથ્થર આવી જતા તેનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ પાણીમાં કુદકો લગાવનાર રાહુલ તળાવના ઠંડા અને ઊંડા પાણીમાં ગરક થઈ ગયો તેના કારણે ઘટના સ્થળે જ તેનું મોત થઈ ગયું હતું.

જ્યારે આ સમાચાર સાંભળીને પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ છે. પુત્રના મોતનો આઘાત લાગતા માતા પૂજાબેન અને પિતા સુનિલભાઈએ તો જમવાનું પણ છોડી દીધુ હતું. જ્યારે પરિવારના સમજાવતા આવતા તેમણે બે દિવસ બાદ જમવાનું મોંમાં મૂક્યુ હતું.

તેની સાથે કેનેડાથી કાર્ગો પ્લેન દ્વારા મૃતદેહ વડોદરા લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાંસદ રંજન ભટ્ટ દ્વારા પરિવારને પોતાના દીકરાનો મૃતદેહ જલ્દીમાં જલ્દી મળી જાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. રાહુલનો મૃતદેહ આજે આવે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Scroll to Top