યુપીના સીએમ યોગી આદિત્યનાથ સોમવારે કૈરાના અને શામલી પહોંચ્યા હતા. અહીં તે એવા પરિવારોને મળ્યા જેઓ વર્ષો પહેલા હિંસા અને ગુંડા રાજથી કંટાળીને પલાયન કરવા મજબૂર બન્યા હતા અને હવે પાછા ફર્યા છે.
મુલાકાત દરમિયાન તેમણે પરત ફરેલા પરિવારો પાસેથી વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણી અને કહ્યું કે સરકાર સંપૂર્ણ રીતે તમારી સાથે છે. તમારે ડરવાની કોઈ જરૂર નથી. આ દરમિયાન ઘણા લોકોએ કહ્યું કે તમારી સરકાર અમારા માટે વરદાન સાબિત થઈ છે અને અમને ગુંડા રાજથી આઝાદી મળી છે.
ઘણા વેપારીઓએ જણાવ્યું હતું કે 2017માં ભાજપની સરકાર આવ્યા બાદ પ્રોપર્ટીના ભાવમાં પણ વધારો થયો છે. સીએમ સાથેની મુલાકાત દરમિયાન એક વ્યક્તિએ કહ્યું કે કૈરાના અને શામલીના માર્કેટમાં જે દુકાનો 25 લાખ રૂપિયામાં વેચાતી હતી, આજે તેની કિંમત 1 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કાયદો અને વ્યવસ્થામાં સુધારો અને સુરક્ષાની ખાતરી નું જ આ પરિણામ છે. એક વ્યક્તિએ કહ્યું કે જ્યારે ગુનેગારો હાથ ઊંચા કરીને આત્મસમર્પણ કરે છે, તે દ્રશ્ય આત્માને શાંતિ આપે છે. તેના પર યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપ સરકાર ગુનેગારો પર કાર્યવાહી કરવા અને યોગ્ય વ્યવસ્થા આપવા માટે જ આવી છે. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે એક છોકરીને પોતાની બાજુમાં બેસાડી અને તેને સ્નેહ કરતા જોવા મળ્યા.
સીએમ યોગીની સાથે હાજર રહેલા બીજેપી પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે છોકરીને કહ્યું, ‘ડરશો નહીં, તમે બાબાની બાજુમાં બેઠા છો.’ આના પર સીએમ યોગીએ પણ યુવતીને પૂછ્યું કે હવે તો ડર નથી લાગતો ને ? આ બેઠક દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે લોકોને આશ્વાસન આપતા કહ્યું કે સરકાર સંપૂર્ણ રીતે તેમની સાથે છે. આ દરમિયાન શામલીના ધારાસભ્ય સુરેશ રાણા પણ હાજર હતા. પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ ઘણી વખત કૈરાના અને શામલીના લોકોના હિજરતનો મુદ્દો ઉઠાવ્યો છે. સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં યુપી ચૂંટણીમાં સુરક્ષા એ મોટો મુદ્દો બનવા જઈ રહ્યો છે.
પરિવારજનોને મળ્યા બાદ સીએમ યોગીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હવે શામલી જિલ્લા અને કૈરાના શહેરમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું કે અમે નિર્ણય કર્યો છે કે સપા શાસન દરમિયાન હિંસાનો ભોગ બનેલા લોકોને વળતર આપવામાં આવશે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઘણા કેસોમાં તો ન્યાય મળી ચૂક્યો છે. આ સાથે તેમણે કહ્યું કે અમારી સરકાર કોઈપણ તુષ્ટિકરણ વિના પીએમ નરેન્દ્ર મોદીની સબકા સાથ અને સબકા વિકાસની નીતિ પર આગળ વધવાનું ચાલુ રાખશે. સીએમ યોગીએ કહ્યું કે અમે ગુનેગારો સામે ઝીરો ટોલરન્સની નીતિ ચાલુ રાખીશું.