લોજિસ્ટિક્સ પર્ફોમન્સ ઇન્ડેક્સમાં ગુજરાત આ વર્ષે પણ ટોચ પર, જાણો અન્ય રાજ્યો નો હાલ

ગુજરાત દર વર્ષની જેમ આ વર્ષે પણ અવ્વલ નંબર ની લોજિસ્ટિક્સ સુવિધા  સાથે લોજિસ્ટિક્સ પર્ફોમન્સ ઇન્ડેક્સમાં ટોચ પર છે, જ્યારે ઉત્તર પ્રદેશ હવે 13મા સ્થાનેથી 6ઠા ક્રમે આવી ગયું છે. વાણિજ્ય મંત્રાલયે સોમવારે જાહેર કરેલા અહેવાલ મુજબ લોજિસ્ટિક્સ પર્ફોમન્સ ઇન્ડેક્સમાં ગુજરાતે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. આ સૂચકાંક નિકાસ અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે જરૂરી લોજિસ્ટિક્સ સેવાઓની કાર્યક્ષમતાનું સૂચક છે.

ઇન્ડેક્સ મુજબ ગુજરાત 21 રાજ્યોની યાદીમાં પ્રથમ ક્રમે છે. ત્યારબાદ અનુક્રમે હરિયાણા, પંજાબ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર આવે છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે સોમવારે જાહેર કરેલા લીડ્ઝ (લોજિસ્ટિક્સ ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ) 2021નો અહેવાલ સમસ્યાના ક્ષેત્રોને ઓળખવા અને તેનો સામનો કરવા માટે નીતિગત પ્રતિભાવોની ઓળખ કરવામાં અને તૈયાર કરવામાં મદદ કરશે.

આ સૂચકાંકનો ઉદ્દેશ એવા રાજ્યોમાં લોજિસ્ટિક્સ કામગીરી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જે દેશના વેપારમાં સુધારો કરવા અને વ્યવહાર ખર્ચ ઘટાડવા માટે આવશ્યક છે. પૂર્વોત્તર રાજ્યો અને હિમાલય કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં જમ્મુ-કાશ્મીર આ યાદીમાં ટોચ પર છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હીને ટોચનું સ્થાન મળ્યું છે. પહેલો લોજિસ્ટિક્સ રિપોર્ટ 2018 માં બહાર પાડવામાં આવ્યો હતો. કોવિડ-19ના રોગચાળાને કારણે ગયા વર્ષે રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું ન હતું. ગુજરાત 2018 અને 2019 બંને માટે રેન્કિંગ યાદીમાં પ્રથમ ક્રમે હતું.

Scroll to Top