ભોપાલની કમલા નહેરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં સોમવારે આગ લાગી હતી. આ ઘટનામાં હોસ્પિટલમાં દાખલ ચાર બાળકોના મોત થયા હતા. રાજ્યના તબીબી શિક્ષણ પ્રધાન વિશ્વાસ સારંગે પુષ્ટિ આપી હતી કે શોર્ટ સર્કિટને કારણે સ્પેશિયલ નવજાત સંભાળ એકમ (એસસીયુ) વોર્ડમાં આગ લાગવાની જાણ થતાં જ અમે અન્ય લોકો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. વોર્ડની અંદર અંધારું હતું. અમે બાળકોને અન્ય વોર્ડમાં ખસેડ્યા છે. ચાર બાળકોના મોત થયા છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલના ત્રીજા માળે આવેલા વોર્ડમાં આગ લાગી હતી જ્યાં એક આઈસીયુ પણ છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીડિતોના નજીકના સંબંધીઓને ૪-૪ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીએ આગની ઘટનાને ખૂબ જ દુ:ખદ ગણાવી છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, “વહીવટી ટીમ અને બચાવ કર્મચારીઓ ઘટના સ્થળે છે. મારી સતત નજર આ દુર્ઘટના પર છે. સંબંધિત અધિકારીઓ સતત મારા સંપર્કમાં છે. આપત્તિ વ્યવસ્થાપનના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. હોસ્પિટલ મેનેજમેન્ટને બાળકોની યોગ્ય સંભાળ રાખવા સૂચના આપવામાં આવી છે. વોર્ડમાં બચાવ કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.”