ઉત્તર પ્રદેશના દેવરિયામાં છઠ પૂજા માટે નવી સાડી ખરીદવાની વાતથી એક વ્યક્તિ એટલો ચિડાઈ ગયો કે તેણે પિતાની લાઇસન્સવાળી બંદૂકથી તેની પત્નીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં એસપી અને પિએસઆઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે આરોપીની અટકાયત કરી બંદૂક કબજે કરી છે.
ઇન્સ્પેક્ટર ટીજે સિંહે જણાવ્યું હતું કે, પાના ગામના પૂર્વ પટ્ટીના રહેવાસી નરેન્દ્ર તિવારીના લગ્ન ચાર વર્ષ પહેલા અનુરાધા સાથે થયા હતા, તેમને એક વર્ષની પુત્રી છે જે દિવ્યાંગ છે. તેઓ સ્ટેશનરીની દુકાન ચલાવે છે. ગઈકાલે મોડી સાંજે પત્નીએ તેને છઠ માટે નવી સાડી ખરીદવા નું કહ્યું હતું. જેના કારણે દલીલો શરૂ થઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર અનુરાધાનો પતિ સાથેનો વિવાદ થોડા દિવસોથી ચાલી રહ્યો હતો કારણ કે તે વારંવાર તેના ભાઈના 19 નવેમ્બરના તિલકોત્સવની ખરીદી માટે કહેતી હતી, પરંતુ નરેન્દ્ર એ તેને ધ્યાનમાં લીધું ન હતું. ગઈકાલે જ્યારે નરેન્દ્રએ પોતાના માટે કપડાં ખરીદ્યા પણ અનુરાધા માટે નહીં ત્યારે અનુરાધાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ તેણે પતિ સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. તેની માતા સાથે વાત કરવા માટે પતિનો મોબાઇલ માંગ્યો હતો. તેથી પતિએ તે ન આપ્યો અને મોબાઇલ છુપાવી દીધો. જેના પર બંને એટલા ઝઘડામાં ઉતર્યા કે ગુસ્સામાં નરેન્દ્ર એ તેના પિતાની લાઇસન્સવાળી બંદૂક કાઢી અને તેને ગોળી મારી દીધી. અનુરાધાનું પીડાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.