હોસ્પિટલમાં 28 વર્ષથી વપરાતું હતું શૌચાલયનું પાણી, આવી રીતે ગંભીર ભૂલ આવી સામે

જાપાની મીડિયા આઉટલેટ યોમિઉરી શિમ્બુન અનુસાર, 20 ઓક્ટોબરે ઓસાકા યુનિવર્સિટી હોસ્પિટલે અહેવાલ આપ્યો હતો કે મેડિકલ વિભાગમાં પાણીની કેટલીક પાઈપો ખોટી રીતે જોડાયેલ છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવતા ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું. પીવાના પાણીની ઘણી પાઇપો શૌચાલય સાથે જોડાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.

નવાઈની વાત એ છે કે આ ખોટું કનેક્શન 1993નું છે. આ હોસ્પિટલ 1993માં જ ખોલવામાં આવી હતી. છેલ્લા 28 વર્ષથી, અહીંના કર્મચારીઓ તેમજ દર્દીઓ તેમની જરૂરિયાત માટે શૌચાલયના પાણીનો ઉપયોગ કરતા હતા. હોસ્પિટલના 120 જેટલા નળના પાઈપો શૌચાલય સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે.

આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે હોસ્પિટલની નવી ઇમારત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવી ઈમારતના ઈન્સ્પેક્શન દરમિયાન આવી મોટી ખામી સામે આવી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે હોસ્પિટલ અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત પાણીના રંગ, ગંધ અને સ્વાદનું પરીક્ષણ કરે છે. પરંતુ 2014થી કોઈ સમસ્યા જોવા મળી નથી.

મીડિયાની સામે, ઓસાકા હોસ્પિટલના સંશોધક અને હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ કાઝુહિકો નાકાતાનીએ માફી માગતા કહ્યું- ‘મને ખૂબ જ દુઃખ છે કે અદ્યતન તબીબી સંભાળ પૂરી પાડતી હોસ્પિટલ ચિંતાનું કારણ બની છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલ હવે નિયમિતપણે પાણીની પાઇપ કનેક્શનની તપાસ કરશે.

Scroll to Top