દિલ્હી પોલીસના દરોડા દરમિયાન ભાગવા જતાં બિલ્ડિંગ પરથી પડી ગયો ઈન્ટરનેશનલ ડ્રગ માફિયા

મુંબઈમાં દિલ્હી પોલીસના દરોડા દરમિયાન એક આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા બહુમાળી ઈમારત પરથી નીચે પડીને દર્દનાક મૃત્યુ પામ્યો. મૃત્યુ પામેલા ડ્રગ માફિયાના તાર (કનેકશન) વિદેશમાં બેઠેલી ડી ગેંગના નજીકના કૈલાશ રાજપૂત સાથે જોડાયેલા હતા. દરોડા દરમિયાન હેલ્મેટ પહેરીને તે દોરડાની મદદથી બિલ્ડિંગમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તેના હાથમાંથી દોરડું છૂટી ગયું અને તે સીધો જમીન પર પડ્યો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

હકીકતમાં, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા ડેવિડને શોધી રહી હતી, જે વિદેશમાં બેઠેલા કૈલાશ રાજપૂતનો ખાસ સહયોગી (એસોસિએટ) માનવામાં આવે છે. આ એ જ કૈલાશ છે, જેને મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ખૂબ નજીકનો માનવામાં આવે છે. પોલીસને દાઉદ વિશે નક્કર માહિતી મળી હતી કે તે મુંબઈના મલાડમાં છુપાયેલો છે.

આ માહિતીના આધારે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમ મુંબઈ પહોંચી અને મંગળવારે ડ્રગસના માલિકની ધરપકડ કરવા માટે મલાડમાં તેના ફ્લેટ પર દરોડા પાડ્યા. આ દરમિયાન સ્થળ પર હાજર ડેવિડે પોલીસને ચકમો આપીને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. તેણે હેલ્મેટ પહેર્યું અને દોરડાની મદદથી ઉંચી ઈમારત પરથી નીચે ઉતરવાનો પ્રયાસ કરવા લાગ્યો. ત્યારે અચાનક તે નીચે જમીન પર પડી ગયો અને તેનું મૃત્યુ થઇ ગયું.

મળતી માહિતી મુજબ, મુંબઈનો રહેવાસી ડેવિડ જ મુંબઈ અને અન્ય શહેરોમાં કૈલાશ રાજપૂતનો ડ્રગ્સનો ધંધો સંભાળતો હતો. કૈલાશના ઈશારે જ ડેવિડ દુબઈ અને અન્ય દેશોમાં કુરિયર દ્વારા ડ્રગ્સની ખરીદી અને વેચાણનું કામ કરતો હતો. દિલ્હી પોલીસે તેની ધરપકડ માટે એક લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરી રાખ્યું હતું. માનવામાં આવે છે કે જો ડેવિડ જીવતો પોલીસના હાથે પકડાયો હોત તો તે કૈલાશ રાજપૂત અને ડી કંપની સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાણી શક્યા હોત.

Scroll to Top