દક્ષિણ અમેરિકામાં આવેલો દેશ ચિલી તેના સુંદર પર્વતો માટે જાણીતો છે. તેના રણમાં ત્યજી દેવાયેલાં કપડાંનો વિશાળ પહાડ છે. ક્રિસમસ સ્વેટરથી માંડીને સ્કી બૂટ સુધી બધું જ અહીં ઉપલબ્ધ છે. પરંતુ સમસ્યા એ છે કે તે એક નવા પ્રકારનું પ્રદૂષણ ફેલાવી રહી છે. નવા પ્રકારનો કચરો પેદા થઈ રહ્યો છે જે સતત વધી રહ્યો છે.
ચિલી લાંબા સમયથી સેકન્ડહેન્ડ અને ન વેચાયેલા કપડાંનો ગઢ છે. અહીં ચીન અને બાંગ્લાદેશમાં બનેલા કપડા યુરોપ, એશિયા અને અમેરિકા થઈને પહોંચે છે. આ કપડાં લેટિન અમેરિકા એટલે કે ચિલી અને તેની આસપાસના દેશોમાં વેચાય છે. ચિલી દર વર્ષે 59,000,000 કિલોગ્રામ કપડાં મેળવે છે. આ કપડાં ઉત્તર ચિલીમાં અલ્ટો હોસ્પિસિયો ફ્રી ઝોનના EBQ પોર્ટ પર ઉતરે છે. જે સ્થાનિક કાપડના વેપારીઓ ખરીદે છે. આ કપડાની દાણચોરી પણ થાય છે.
અટાકામા રણમાં દર વર્ષે આશરે 39,000,000 કિલોગ્રામ કપડાં ઠાલવવામાં આવે છે. જે સતત પહાડનું રૂપ લઈ રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે લોકો ખૂબ જ ઝડપથી કપડાં બદલી નાખે છે. જેને આજકાલ ફાસ્ટ ફેશન ક્લોથિંગ કહેવામાં આવે છે. પરંતુ ફેંકી દેવાયેલા કપડાના કારણે ફેલાતો કચરો અને પ્રદુષણ કોઈને ધ્યાને આવતું નથી.
ઘણા લોકો પોતે આ કપડાના પહાડો પર જાય છે અને પોતાના અને પોતાના પરિવાર માટે કપડાં શોધે છે. તેઓ ક્યારેક મફતમાં કપડાં મેળવે છે, તો ક્યારેક ખૂબ જ ઓછી કિંમતે.પરંતુ ઘણા સ્થાનિક લોકો આ કપડામાંથી વધુ સારા કપડા કાઢીને તેમની પોતાની નાની દુકાન ખોલીને ત્યાં વેચે છે. અહીં આવનારા પ્રવાસીઓને ઓછા ભાવે કપડાં મળે છે અને સ્થાનિક લોકોની રોજગારી મળે છે.