મુંબઈઃ દેશના જાણિતા સંત મોરારી બાપુએ ત્યારે બધાને આશ્ચર્યમાં મુકી દીધા જ્યારે તેઓ મુંબઈમાં દેહવેપાર માટે કુખ્યાત એવા કમાટીપુરાની ગલ્લીઓમાં જોવામાં આવ્યા. અહીં પહોંચીને તેમણે 60 જેટલા સેક્સ વર્કર્સ સાથે મુલાકાત કરી હતી અને કેટલાકના તો ઘરમાં પણ ગયા હતા. તેમણે આ સેક્સ વર્કર્સને અયોધ્યા ખાતે તેમની આગામી રામકથામાં સમાગમ માટે આવવા આમંત્રણ પાઠવ્યું હતું. અયોધ્યા ખાતે યોજાનાર રામ કથામાં તેઓ તુલસીદાસની માનસ ગણિકાનું વાંચન કરશે. જે કથા તુલસીદાસ અને એક સેક્સ વર્કર વચ્ચે થયેલા સંવાદ પર આધારીત છે.
મોરારી બાપૂએ પોતાના સહયોગીઓને નિર્દેશ આપ્યો કે આ કાર્યક્રમમાં આવવા જવા માટે તમામ સેક્સ વર્કર્સના આવવા જવા અને રહેવા જમવા માટેનો ખર્ચ નિશુલ્ક કરવામાં આવે. તેમની આ કથા 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી ચાલશે.
મોરારી બાપુ ગુરુવારે રાતે લગભઘ 8.30 વાગ્યે કમાટીપુરા પહોંચ્યા હતા. અહીં સેક્સ વર્કર્સને કહેવામાં આવ્યું કે ‘એક ભગવાનનો માણસ તમને મળવા આવી રહ્યો છે.’ એક સેક્સ વર્કરે અમારા સહયોગી મિરર સાતે વાતચીત કરતા જણાવ્યું કે, ‘આ વિસ્તારમાં તો ક્યારેય કોઈ ભગવાનનો માણસ ભૂલથી પણ નથી આવતો માટે અમે જોવા માગતા હતા કે આ ભગવાનના માણસ કેવા દેખાય છે.’
મોરારી બાપુ અહીં પહોંચ્યા કે તરત જ લોકોની ભીડ જમા થવા લાગી અને લોકોએ તેમને પોતાની સમસ્યાઓ જણાવી. લોકોએ મોરારી બાપુને પોલીસની કનડગત અંગે પણ ફરિયાદ કરી. તેમની પાસે રહેવા ઘર અને વિસ્તારની સફાઈ તેમજ સમાજ અને તંત્ર દ્વારા તેમની અવહેલના અંગે પણ ફરિયાદ કરી. મોરારી બાપુએ એક એક કરીને તમામ લોકોની સમસ્યાઓ સાંભળી.
ત્યાર બાદ મોરારી બાપુએ તુલસીદાસજીના એક પ્રસંગ અંગે લોકોને જણાવ્યું, ‘વાસંતીએ તુલસીદાસજીને પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું અને કહ્યું કે ઘરે આવીને રામ અંગે જણાવે. વાસંતીએ કહ્યું કે સમાજે મને મારી આજીવિકાના કારણે તિરસ્કૃત કરી દીધી છે પણ મને લાગે છે કે ભગવાન તો બધાને એક સમાન જ ગણે છે. પછી તુરસીદાસજી વાસંતીના ઘરે જાય છે અને તેને આખી રામ કથા કહી સંભળાવે છે.’
તેમણે પોતાની આગામી અયોધ્યા કથા અંગે કહ્યું કે, ‘મંદિર મામલે મારો વિચાર એકદમ જ સ્પષ્ટ છે. સમાજમાં પ્રેમ અને શાંતિ રહેવી જોઈએ. જ્યારે માનસ ગણિકાનું અયોધ્યામાં પઠન એટલા માટે કરવામાં આવનાર છે કે આ કથા જ અયોધ્યા પર આધારીત છે.’