મહારાષ્ટ્રના મુંબઈ શહેરના બોરીવલી વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. અહીં આવેલી એક ઊંચી બિલ્ડીંગના 10મા માળેથી એક બાળકી નીચે જમીન પર પટકાઈ હતી. બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતુ. આ દુઃખદ ઘટના ત્યારે સર્જાઈ હતી જ્યારે બાળકી 10મા માળે આવેલા ઘરની બાલ્કનીમાં આર્ટ વર્ક કરી રહી હતી. પોલીસે આ દુર્ઘટનાને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બોરીવલી લિન્ક રોડ પર AHCL હોમ્સ નામની બિલ્ડીંગ માં આ દુર્ઘટના થઈ છે. અહીં બાળકી(હેતવી) તેની માતા અને દાદા-દાદી સાથે રહેતી હતી. હેતવી ધોરણ 6માં અભ્યાસ કરતી હતી અને માતા-પિતાની એકની એક દીકરી હતી. શનિવારની સાંજે 4.40 વાગ્યાની આજુબાજુ આ ઘટના બની હતી.
બિલ્ડીંગમાં કામ કરતા અને નજરે જોનારા લોકોએ કહ્યું કે પસાર થતા રાહદારીઓ બિલ્ડીંગ બહારની ફૂટપાથ પર કોઈ પડવાનો અવાજ સાંભળ્યો. ઘટના સ્થળે જઈને ખબર પડી કે ત્યાં એક બાળકીનો મૃતદેહ પડ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ સોસાયટીના મેનેજમેન્ટ સભ્યોને કરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ ઘટના સ્થળે આવી હતી. તપાસ કરતા કરતા પોલીસ આ બિલ્ડીંગના 10મા માળે પહોંચી હતી. બાળકીની દાદીને જ્યારે પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે, તે અંદર રમી રહી છે. એટલે પોલીસે બાળકીનો ફોટો બતાવીને બાળકીની ઓળખ કરી હતી. ફોટો જોઈને તેના દાદી ગભરાઈ ગયા અને બાળકીના પરિવારમાં દુઃખનો માહોલ સર્જાયો હતો. પોલસે આ મામલે નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.