બિહારમાં મંગળવારે વહેલી સવારે લખીસરાય જિલ્લાના સિકંદરા-શેખપુરા NH-333 પર હલસી પોલીસ સ્ટેશન વિસ્તારના પિપરા ગામ પાસે આ અકસ્માત થયો હતો. ટ્રક સાથેની ભયાનક અથડામણમાં સુમોમાં સવાર એક જ પરિવારના 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને જમુઈની સદર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે સુમોમાં સવાર તમામ 10 લોકો અંતિમ સંસ્કારમાં હાજરી આપીને પટનાથી જમુઈ પરત ફરી રહ્યા હતા. ત્યારે સિકંદરા-શેખપુરા હાઈવે પર સુમો અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બાકીના ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા 5 લોકો દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સગા હતા. ટ્રક પર ખાલી એલપીજી સિલિન્ડર લોડ કરવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 6 લોકોમાંથી એક દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સાળા લાલજીત સિંહ હતા. સુશાંત સિંહ રાજપૂતના સાળા હરિયાણામાં પોલીસ વિભાગમાં ઉચ્ચ પદ પર તૈનાત છે અને તેનું નામ ઓમપ્રકાશ સિંહ છે. ઓમપ્રકાશ સિંહની બહેન ગીતા દેવીના અગ્નિસંસ્કાર બાદ બધા પટનાથી જમુઈમાં તેમના ઘરે આવી રહ્યા હતા. અકસ્માત બાદ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. ગામમાં પણ શોકનો માહોલ છવાયો હતો.