ટીમ ઈન્ડિયા ના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા એ મુંબઈ એરપોર્ટ પર કરોડો ની ઘડિયાળ ના જપ્ત થવાના અહેવાલો ની સ્પષ્ટતા કરી છે. હાર્દિક પંડ્યાએ આ સમગ્ર મુદ્દે નિવેદન પણ જારી કર્યું છે. તેમણે આ નિવેદનમાં સમગ્ર મામલાની વાસ્તવિકતા વર્ણવી છે અને દાવો કર્યો છે કે તેઓ પોતે દુબઈથી પરત ફર્યા બાદ પોતાનો માલ ની કસ્ટમ ડ્યૂટિ ભરવા માટે કસ્ટમ વિભાગમાં ગયા હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 15 નવેમ્બરની સવારે દુબઈથી મુંબઈ પહોંચતાં હું પોતે કસ્ટમ ડ્યુટી ચૂકવવા એરપોર્ટ પર કસ્ટમ કાઉન્ટર પર ગયો હતો. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર મારા વિશે ખોટી માહિતી આપવામાં આવી રહી છે. મેં પોતે એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓને તમામ માલની જાણ કરી હતી. કસ્ટમ વિભાગે મારી પાસે ઘડિયાળ સંબંધિત દસ્તાવેજો માંગ્યા છે.
સોશિયલ મીડિયા પર ઘડિયાળની કિંમત 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે જે ખોટું છે, ઘડિયાળની કિંમત 1.5 કરોડ રૂપિયા છે. હું ભારતની તમામ એજન્સીઓ અને કાયદાનું સન્માન કરું છું. કસ્ટમ વિભાગે મને સહકાર આપ્યો છે અને હું પણ આ બાબતમાં સંપૂર્ણ સહકાર આપીશ.
અગાઉ એવી માહિતી મળી હતી કે મુંબઈ એરપોર્ટ પર દુબઈથી પરત ફરેલા હાર્દિક પંડયા પાસેથી પાંચ કરોડ રૂપિયાની બે ઘડિયાળો મળી આવી હતી. એએનઆઈએ કહ્યું હતું કે એરપોર્ટ કસ્ટમ વિભાગે રવિવારે રાત્રે ક્રિકેટર હાર્દિક પંડયાની પાંચ કરોડની બે ઘડિયાળો કબજે કરી હતી કારણ કે અહેવાલ મુજબ ક્રિકેટર પાસે ઘડિયાળો ની ખરીદીના બિલ રસીદ નહોતી.