ચોર પણ સિદ્ધાંતવાદી: પહેલા ભગવાનના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા, પછી દાનપેટી લઈ ગયા..

મહારાષ્ટ્રના થાણેમાં ચોરીનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેણે સાબિત કરી દીધું છે કે ચોરોના પણ સિદ્ધાંતો હોય છે. હકીકતમાં, થાણેના એક મંદિરમાં ચોરી કરતા પહેલા આરોપીએ હનુમાનજીના ચરણ સ્પર્શ કર્યા અને પછી દાન પેટી ઉપાડી લીધી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના ખોપટ બસ ડેપો પાસે સ્થિત કબીરવાડી હનુમાન મંદિરની છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ઘટનાની માહિતી મળતાં પોલીસે મંદિરની આસપાસના વિસ્તારના લોકોની પૂછપરછ કરી હતી. નૌપાડા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સંજય ધૂમલે કહ્યું કે, અમે મંદિરની આસપાસના વિસ્તારના રહેવાસીઓ સાથે પૂછપરછ શરૂ કરી. અમે એ ધારણા પર કામ કરી રહ્યા હતા કે માત્ર સ્થાનિક વ્યક્તિ જ સારી રીતે જાણે છે કે મંદિરમાં ક્યારે કોઈ નથી હોતું. અમે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોને સીસીટીવી ફૂટેજના ચિત્રો બતાવ્યા. જેના આધારે પોલીસે ગુરુવારે સાંજે રાબોડીના રહેવાસી કેજસ મ્હસદે (18)ની ધરપકડ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નૌપાડા પોલીસે જણાવ્યું કે ખોપટ બસ ડેપો પાસે સ્થિત કબીરવાડી હનુમાન મંદિરના પૂજારી મહંત મહાવીરદાસે ગુરુવારે તેમને આ ઘટનાની જાણકારી આપી. ફરિયાદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ચોરી મંગળવારે રાત્રે 8.30 થી 9.30 વાગ્યાની વચ્ચે થઈ હતી. તે સમયે પૂજારી કોઈ કામ માટે મંદિરની બહાર ગયા હતા અને પાછા આવ્યા ત્યારે મૂર્તિના આગળના ભાગેથી દાનપેટી ગાયબ હતી. પૂજારીએ જણાવ્યું કે દાન પેટીમાં એક હજાર રૂપિયા હતા.

Scroll to Top