પુરી જગન્નાથ મંદિર કે જે ઓરિસ્સામાં આવેલું ખૂબ જ લોકપ્રિય તીર્થસ્થાન છે. અહીંની યાત્રાનું પોતાનું મહત્વ છે. પુરીના જગન્નાથ મંદિરનું રસોડું દુનિયાભરમાં પ્રખ્યાત છે. ભગવાનને અર્પણ કરવા માટે અહીં દરરોજ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ મહાપ્રસાદ 500 રસોઈયા અને તેમના 300 કામદારોની મદદથી તૈયાર કરવામાં આવે છે.
મંદિરના દક્ષિણ-પૂર્વ ભાગમાં સ્થિત આ રસોડું વિશ્વનું સૌથી મોટું રસોડું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રસોડામાં દેવી લક્ષ્મીની દેખરેખમાં મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે. અહીં તૈયાર કરવામાં આવેલી 56 વાનગીઓ ધાર્મિક પુસ્તકોની માર્ગદર્શિકા અનુસાર તૈયાર કરવામાં આવે છે. આ ખોરાક સંપૂર્ણપણે શાકાહારી છે. તેમાં કાંદા કે લસણનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી.
અહીંની બીજી સૌથી મહત્વની બાબત એ છે કે આ ભોગ માટીના વાસણમાં બનાવવામાં આવે છે. આને રાંધવા માટે માટીના સાત વાસણો એકની ઉપર મુકવામાં આવે છે અને તેને લાકડાના ચૂલામાં રાંધવામાં આવે છે.સૌથી મહત્વની વાત એ છે કે ઉપરના ભાગે મૂકેલા વાસણનો ખોરાક પહેલા રંધાય છે અને તળિયે મૂકેલા વાસણનો ખોરાક પછીથી રંધાય છે.
અહીં રસોડાની નજીક બે કૂવા છે જે ગંગા-યમુના તરીકે ઓળખાય છે. ખોરાક બનાવવા માટે, આ બે કૂવાઓમાંથી પાણી લેવામાં આવે છે અને તેમાંથી ખોરાક બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા સંપૂર્ણ વર્ષ દરમિયાન દરરોજ ચાલુ રહે છે. અહીં બીજી એક ખાસ વાત એ છે કે 10 હજાર લોકો જમે કે 10 લાખ લોકો આ મહાપ્રસાદ ખાય, તે ક્યારેય ઓછો નથી અને ક્યારેય વધારે પણ થતો નથી. તેનો એક દાણો પણ વેડફાયો નથી.