નખત્રાણા તાલુકાના કોટડા ગામે રાત્રીના લગ્ન પ્રસંગમાં બાઇક ધીમી ચલાવવા જેવી નજીવી બાબતમાં મુસ્લિમ વ્યકિત પાટીદાર યુવાન પર કુહાડી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવામાં આવતા ગામમાં તંગદીલી વાતાવરણ ઉભું થઈ ગયું હતું. લોકોના ટોળાઓ વચ્ચે ઝપાઝપી પણ જોવા મળી હતી.
સ્થળ પર પહોંચેલ પોલીસની ટીમ દ્વારાભુજ-લખપત ધોરીમાર્ગને બ્લોક કરી નાખવામાં આવતા કોટડા જડોદરથી મથલ સુધીનો હાઇવે ટ્રાફિકથી જામ થઇ ગયો હતો. ઉશ્કેરાયેલા લોકોના ટોળા દ્વારા ત્રણ કેબીન, એક ટ્રક અને આરોપીના મકાનના દરવાજાને આગ લગાડી પથ્થર મારો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સ્થિતિને કાબુમાં લેવા મોડી રાત સુધી મથામણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોટડા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન વાહનોનો ટ્રાફિક વધુ હતો ત્યારે એક મુસ્લિમ યુવાન બાઇક સ્પીડમાં ચલાવતો હોવાના કારણે ગામના ભરત કાંતિલાલ નાયાણી નામના યુવાન દ્વારા તેને બાઇક ધીમે ચલાવવાનું કહેતા માથાકૂટ થઈ હતી. જેમાં બાઇક ચાલક યુવક ભરતભાઇ પર કુહાડીથી હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડવામાં આવતા તેમને પહેલા સારવાર માટે નખત્રાણા ખાતેની દેવાશીષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પછી તેમને ભુજ લઇ જવામાં આવ્યા હતા. હુમલાના બનાવથી કોટડા ગામના લોકો ભારે ઉશ્કેરાઈ ગયા હતા. જેના લીધે સમગ્ર ગામ મુખ્ય માર્ગ પર ભેગું થઇ ગયું હતું.
જ્યારે અરસપરસ ઝપાઝપી અને અફડાતફરીનો માહોલ ઉભો થઈ ગયો હતો. ક્રોધિત લોકોએ ત્રણ કેબીન, એક ટ્રક તેમજ આરોપી વ્યક્તિના મકાનના દરવાજાને આગ લગાડી પથ્થર મારો શરુ કરી દીધો હતો. જ્યારે ભારે તંગદીલી ભર્યા વાતાવરણને જોતા પોલીસ દ્વારા ભુજ-લખપત હાઇવે બન્ને સાઇડથી બંધ કરી દેવામાં આવતા વાહનોની કોટડાથી મથલ સુધીની લાઇન જોવા મળી હતી.
પરિસ્થિતિને થાળે પાડવા પોલીસ અધિકારી કર્મચારીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ અંગે નખત્રાણા વિભાગના ડીવાએસપી યાદવનો સંપર્ક કરવામાં આવતા તેમણે ઘટનાસ્થળેથી કહ્યું હતું કે, પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાની સાથે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.