કચ્છ નજીક ભચાઉ હાઇવે પર ગોજારો અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં 8 લોકોના કમકમાટીભર્યા મોત નીપજતા અરેરાટી વ્યાપી હતી. બે ટ્રેક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ ભચાઉ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા હતા.
પ્રાથમિક વિગત પ્રમાણે કચ્છના ભચાઉ નજીક ઇનોવા કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.પ્રાપ્ત માહિતી અનુંસાર ભચાઉથી મીઠુ ભરેલું ટ્રેલર કંડલા તરફ જઈ રહ્યું હતું ત્યારે અચાનક ટાયર ફાટતા ટ્રેલર પલટી ખાઈને ડિવાઈડર કૂદીને સામેના રોડ તરફ જતી કાર પર પડ્યું હતું. કારની પાછળ સિમેન્ટ ભરેલું બીજુ ટ્રેલર આવતું હતું આમ કાર આ બે ટ્રેલર વચ્ચે પડીકું વળી ગઈ હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે 8 લોકોનાં મોત નીપજ્યા હતા. જેમાં કારમાંથી હાલ પોલીસે 8 લોકોનાં મૃતદેહ બહાર કાઢ્યા હતા. સાથે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃત્યુઆંક વધી શકે છે.
અકસ્માત થનારી ઇનોવા કારમાં 11 લોકો સવાર હતા, જે કચ્છમાં કોઇ ધાર્મિક સ્થળેથી પરત ફરી રહ્યાં હતા. તો ઘટનામાં મૃત્યુ પામનાર તમામ ભુજના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભચાઉ અકસ્માતમાં મૃત્યુ પામેલા 11 કમનસીબ વ્યક્તિઓના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. આ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી છે. તેમણે અકસ્માતમાં ઘવાયેલાઓની સારવાર તેમજ મૃતકોના મૃતદેહોની જરુરી વ્યવસ્થા માટે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક આદેશો આપ્યા છે.