આજના ડિજિટલયુગમાં એક ક્લિક પર હજારો કિ.મી દૂર બેઠા બેઠા તમામ કામ સરળતાથી થઈ જાય છે, પરંતુ એની સાથે જ ઓનલાઈન ફ્રોડ થવાની ઘટનાઓ પણ સતત વધવા લાગી છે. ત્યારે જેમ જેમ દેશ ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યો છે તેમ તેમ ગ્રાહકો હવે ખરીદી પણ લાઈન કરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો હવે છેતરપિંડી પણ ઓનલાઇન કરી રહ્યા છે.
જેનો અનેક લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે આ બનાવ ઔરંગાબાદમાંથી સામે આવ્યો છે. જેમાં ઔરંગાબાદ શહેરના એક વ્યક્તિને રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ફૂડ મંગાવવું ભારે પડી ગયું છે. ઓર્ડર દરમિયાન વ્યક્તિએ કથિત રીતે 89,000 રૂપિયાની ચૂનો લાગ્યો છે. બીજી તરફ ફરિયાદ મળ્યા બાદ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
વાસ્તવમાં આ ઘટના સપ્ટેમ્બર મહિનાની છે. ઔરંગાબાદના નારેગાંવના બાબાસાહેબ થોમ્બરેએ સોશિયલ મીડિયા પર ફૂડ ડિસ્કાઉન્ટની જાહેરાત જોઈ. જેમાં શહેરની એક મોટી રેસ્ટોરન્ટમાંથી એક સાથે બીજી ડિશ ફ્રીમાં હોવાની ઓફર આવી હતી. આ પછી બાબાસાહેબે તેમના પિતાના ક્રેડિટ કાર્ડથી ઓર્ડર કર્યો.
ખાતામાંથી કપાયા 89,000 રૂપિયા
આ પછી બાબાસાહેબ પાસે પાસવર્ડ માંગવામાં આવ્યો અને તેના પિતાના ખાતામાંથી 89,000 રૂપિયા કપાઈ ગયા. જયારે, રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી તેની રેસ્ટોરન્ટના નામે છેતરપિંડીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. રેસ્ટોરન્ટ વતી સાયબર ક્રાઈમમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. પરંતુ આ પછી પણ છેતરપિંડીના કિસ્સાઓ અટકતા નથી.
બીજી તરફ બાબાસાહેબની ફરિયાદ પણ પોલીસને મળી છે. તેના આધારે મંગળવારે ઔરંગાબાદ MIDC પોલીસ સ્ટેશનમાં IPC અને IT એક્ટની કલમ 420 (છેતરપિંડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.