ગાંધીનગર જિલ્લાના માણસાથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેને જાણીને તમે હેરાન થઈ જશો.
સામાન્ય રીતે ભારતમાં એવી ફરિયાદો જોવા મળે છે, પતિઓ પોતાની પત્નીઓને છોડીને વિદેશમાં ચાલ્યા ગયા હોય. પરંતુ આજે એક પતિએ પત્ની સામે તેને છોડીને વિદેશમાં જઈને વસી જવાની ફરિયાદ દાખલ કરી છે. પતિની ફરિયાદ મુજબ, તેમણે પત્નીને કેનેડા મોકલવા માટે 30 લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો, પરંતુ હવે પત્ની તેને ત્યાં હવે બોલાવતી નથી.
નોંધનીય છે કે, 25 નવેમ્બરના રોજ ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં આ FIR દાખલ કરવામાં આવી હતી. વિશ્વાસ પટેલ દ્વારા પોતાની પત્ની પલક પટેલ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિશ્વાસ પટેલ દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, તેણે નવેમ્બર 2014 માં પલક સાથે લગ્ન કર્યા હતા. પલકની ઈચ્છા કેનેડા જવાની હતી, જેના લીધે વિશ્વાસ અને તેના પરિવારે IELTS ની પરીક્ષા પાસ કરીને કેનેડા જઈ શકે તે માટે તેની મદદ કરી હતી. જ્યારે પલક અને તેના પરિવાર દ્વારા વચન આપ્યું હતું કે, તે કેનેડા જઈને પતિને પણ ત્યાં બોલાવી લેશે.
પલકની વાત કરવામાં આવે તો તે નવેમ્બર 2016 માં કેનેડા રવાના થઈ હતી. આ વર્ષની શરૂઆતમાં તેણે કેનેડાની નાગરિકતા લેવા માટે પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી. તેના માટે તેને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂરીયાત પડી હતી. આ મામલે માણસા પોલીસ દ્વારા સમયસર જવાબ ના આપતા તેની PCC ની અરજી પેન્ડિંગ રહેલી હતી.
આ દરમિયાન પલકના પતિ અને સાસુ-સસરાને તેના દ્વારા કરવામાં આવેલ કેનેડાની નાગરિકતા મેળવવાની પ્રક્રિયા વિશે જાણ થઈ ગઈ હતી જેના લીધે તેમણે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પલક તેના પતિને કેનેડા બોલાવતી નથી અને તેના ત્યાં જવા માટે તેમણે જે રૂપિયા ખર્ચ કર્યા હતા તે પણ પાછા આપી રહી નથી. આ રીતે પલક વિશ્વાસઘાત કરેલ છે. આ કેસમાં પલકનો સાથ આપવા બદલ તેના માતાપિતા સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જ્યારે PCC મેળવવાની પ્રક્રિયા અટકી જતા પલકે પોલીસની ઢીલી કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા તાત્કાલિક તેને પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. પલક કેનેડામાં સેટલ થઈ ગઈ છે અને તેની પાસે સમયની ઉણપ હોવાના કારણે તેણે ટોરેન્ટો સ્થિત ઈન્ડિયન એમ્બસીમાં ક્લીયરન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અરજી દાખલ કરી હતી. 29 ઓક્ટોબરના રોજ હાઈકોર્ટ દ્વારા પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ અને કોન્સલ જનરલ ઓફ ઈન્ડિયાને પીસીસીની પ્રક્રિયા 15 દિવસની અંદર પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
તેમ છતાં આ આદેશના 26 દિવસ બાદ પણ પલકને પીસીસી મળ્યું નહોતું. બીજી તરફ માણસા પોલીસ દ્વારા પલક અને તેના માતાપિતા સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ઉશ્કેરણીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પલક દ્વારા એડવોકેટ નિલય પટેલ મારફતે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આરપીઓ અને કોન્સલ જનરલ સામે કોર્ટના આદેશની અવગણના કરવા બદલ સજા થવી જોઈએ. તેમના દ્વારા આ આદેશની અવગણના કરવામાં આવતા પલકની સિટીઝનશીપ મેળવવાની પ્રક્રિયામાં વિલંબ થયો છે તેની સાથે જ ત્યાંની પોલીસ દ્વારા મોડું કરવા બદલ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.