રાજકોટમાં નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવનાર એક યુવતી સહિત 3 ની કરાઈ ધરપકડ

રાજકોટ પોલીસ દ્વારા નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને નકલી માર્કશીટ વેચવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસની ટીમ દ્વારા આ મામલે એક યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, આ લોકો 70 હજારથી લઈને 1.25 લાખ રૂપિયા લઈને નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને નકલી માર્કશીટ બનાવતા હતા. આ લોકો દ્વારા ચાર યુનિવર્સિટીની નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવી આપતા હોવાનું તપાસ સામે આવ્યું છે.

રાજકોટ પોલીસ દ્વારા બીજી વખત નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. હાલમાં ઝડપાયેલા કૌભાંડમાં સંડોવાલેયા 8 વ્યક્તિઓ પૈકી ધર્મિષ્ઠા નામની એક યુવતી અને બે યુવકોની ધરપકડ કરાઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ લોકો આગ્રાની ડો. ભીમરાવ આંબેડર યુનિવર્સિટી, વિલિયમ કેરી યુનિવર્સિટી તેમજ ઉત્તર પ્રદેશ અને અલ્હાબાદ યુનિવર્સિટીની નકલી ડિગ્રી અને નકલી માર્કશીટ બનાવતા હતા.

આ લોકોએ પોલીસને કહ્યું હતું કે, વિદેશમાં પીઆર મેળવવા માટે ઈચ્છતા લોકો તેમનો સંપર્ક કરતા હતા. વિદેશ જવા માટે ગ્રેજ્યુએટ કરતા પોસ્ટ ગ્રેજ્યુએટના માર્કસ વધુ ગણતરીમાં લેવાતા હોવાના કારણે વિદેશ જવા ઈચ્છુક લોકો તેમની પાસેથી નક્લી ડિગ્રી સર્ટિફિકેટ અને નકલી માર્કશીટ માટે મોં માંગ્યા ભાવ આપતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ધર્મિષ્ઠા નામની યુવતી પોતાના ફેસબુક ફ્રેન્ડ પ્રકાશ યાદવ પાસેથી નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને નકલી માર્કશીટ પ્રાપ્ત કરતી હતી. પ્રકાશ યાદવ દિલ્હીમાં રહેતો હોવાનું ધર્મિષ્ઠાએ પોલીસને કહ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ધર્મિષ્ઠાએ સ્વીકાર્યું છે કે, તે છેલ્લા એકાદ વર્ષથી આ ધંધામાં છે. તેની સામે અગાઉ પણ નાડેદ પોલીસ સ્ટેશનમાં નકલી ડિગ્રી બનાવી આપવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જ્યારે અન્ય એક ગેંગમાં પારસ વાણિયા નામના વ્યક્તિ દ્વારા 70 હજારથી 1 લાખ રૂપિયા સુધીની રકમ લઈને નકલી માર્કશીટ અને નકલી ડિગ્રી સર્ટિફિકેટ બનાવી આપવામાં આવતા હતા. પારસ આ નકલી માર્કશીટ અને નકલી સર્ટિફિકેટ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેનાર દર્શન કોટક નામની વ્યક્તિને આપતા હતા. દર્શન લોકોને વિદેશ મોકલવાના એજન્ટ તરીકે કામકાજ કરે છે. અત્યારે રાજકોટ પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

Scroll to Top