CBSE એ ધોરણ-10મા પ્રશ્નપત્રમાંથી વિવાદાસ્પદ પ્રશ્નો દૂર કર્યા, વિદ્યાર્થીઓને આ પ્રશ્નના મળશે સંપૂર્ણ માર્કસ

CBSE 10મી પરીક્ષાના અંગ્રેજી પ્રશ્નપત્રમાં પૂછવામાં આવેલા વિવાદાસ્પદ પ્રશ્નને લઈને ભારે હોબાળો થતાં બોર્ડે સોમવારે તેને પાછો ખેંચી લીધો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ જણાવ્યું હતું કે પેસેજ નં.-1 ને પ્રશ્નપત્રથી દૂર કરવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓને આ પેસેજના સંપૂર્ણ ગુણ મળશે.

CBSE એ નોટિસમાં જણાવ્યું હતું કે, ધોરણ 10 ની ટર્મ-1 પરીક્ષાના અંગ્રેજી ભાષા અને સાહિત્યપ્રશ્નપત્રના પેસેજનો સમૂહ બોર્ડની માર્ગદર્શિકાને અનુરૂપ નથી. મળેલા પ્રતિસાદના આધારે બોર્ડે આ બાબતની સમીક્ષા માટે વિષય નિષ્ણાતોને મોકલી આપી હતી. તેમની ભલામણના આધારે પેસેજ નંબર-1 અને તેને લગતા પ્રશ્નને પ્રશ્નપત્રમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના બદલામાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ ગુણ આપવામાં આવશે. ‘

તમને જણાવી દઈએ કે શનિવારે યોજાયેલી 10મી પરીક્ષામાં પ્રશ્નપત્રમાં “મહિલાઓની સ્વતંત્રતા એ વિવિધ સામાજિક અને પારિવારિક સમસ્યાઓનું મુખ્ય કારણ છે.” જેવા વાક્યોનો ઉપયોગ કર્યો હતો અને “પત્નીઓ તેમના પતિની વાત સાંભળતી નથી, જે બાળકો અને નોકરોને અનુશાસનહીન બનાવે છે.” જેના પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. પ્રશ્નપત્રના વિવાદાસ્પદ અંશો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ટ્વિટર પર લોકો CBSE ને નિશાન બનાવી રહ્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભામાં CBSE 10 મી પરીક્ષામાં છપાયેલા વિવાદાસ્પદ પ્રશ્નનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે અંગ્રેજી પ્રશ્નપત્રમાં પૂછાયેલ પ્રશ્નને મહિલા વિરોધી ગણાવ્યો હતો અને CBSE બોર્ડ અને શિક્ષણ મંત્રાલયને પ્રશ્ન પાછો ખેંચવા અને માફી માંગવાની માંગ કરી હતી.

Scroll to Top