રાજ્યમાં હેડક્લાર્કની પરીક્ષાના પેપર લીક બાબતે ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપના સભ્યો વચ્ચે ધમાસાન જોવા મળ્યું હતું. જેના લીધે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેના કારણે તેમને ભેગા કરી દેવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી સમયમાં ગુજરાત આવવાના છે. તેમના આગમન બાદ અમદાવાદમાં મોટા કાર્યક્રમનું આયોજન કરાશે . બીજી તરફ અમદાવાદમાં ઉપવાસ આંદોલન માટેની અરજી પોલીસ દ્વારા નામંજુર કરતાં આમ આદમી પાર્ટીએ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
તેની સાથે પાર્ટીના પ્રદેશ કાર્યાલયની પોલીસ તંત્ર દ્વારા કિલ્લાબંદી કરવામાં આવેલ છે અને બંને ઊપવાસી નેતાઓને નજર કેદ કરાયા છે પોલિસ દ્વારા ઉપવાસીઓની મુલાકાતે આવનાર લોકોને અટકાવામાં આવ્યા છે અને અમારા મૌલિક અઘિકારોનુ હનન કરવામાં આવી રહ્યું છે. પાર્ટીના કાર્યકર્તાઓની ગતિવિઘી પર નજર રખાઈ રહી છે. જો અસિત વોરા રાજીનામુ ના આપે તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો નજીકના ભવિષ્યમાં કાર્યક્રમ યોજાશે. જ્યારે પંજાબની ચૂંટણીઓમાં વ્યસ્ત હોવા છતાં અરવિંદ કેજરીવાલ ગુજરાતના યુવાનોના ભવિષ્ય બાબતે એટલા જ ચિંતિત છે અને નિયમિત અપડેટ લઇ રહયા છે.
આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવામાં આવ્યું છે કે, ભાજપના કમલમ પર થયેલા ઘર્ષણ બાદ અમારા નેતાઓને જેલમાં મોકલી દેવાયા છે. જેમાં મહિલાઓ પણ સામેલ હતી. આ 28 મહિલાઓની કોર્ટ દ્વારા જામીન અરજી મંજુર કરતાં તેઓ જામીન પર મુક્ત કરવામાં આવી છે. પરંતુ હજી આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવિણ રામ, નિખિલ સવાણી સહિત 60 થી વધુ નેતાઓ સાબરમતિ જેલમાં રાખવામાં આવ્યા છે. આ નેતાઓને બહાર કાઢવા માટે જામીન અરજી કરાઈ છે. જેની સુનાવણી આગામી દિવસોમાં કરવામાં આવશે.
તેની સાથે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી મનોજ સોરઠિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમારી પાર્ટીના સિનિયર નેતા મહેશ સવાણી તથા પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ ઉપવાસ પર બેઠેલા છે. તેમના ઉપવાસનો આજે ચોથો દિવસ રહેલો છે. બંનેની તબિયત હાલમાં સ્થિર રહેલી છે. પરંતુ ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો તેઓ વધુ સમય સુધી ઉપવાસ કરશે તો તેમની તબિયત વધુ પ્રમાણમાં બગડે તેવી શક્યતા છે. ડોક્ટરો દ્વારા તેમને મેડિકલ ટ્રીટમેન્ટ માટેની સલાહ પણ આપવામાં આવી છે. ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું ઊપવાસ આંદોલન ચાલુ રખાશે.
મનોજ સોરઠિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, આગામી સમયમાં ગુજરાતની પરિસ્થિતિને જોતાં અમે અનેક કાર્યક્રમો કરીશું. જેમાં અમારી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ આગામી સમયમાં ગુજરાત આવવાના છે.. તેમણે જણાવ્યું છે કે, અમે ગાંધી આશ્રમની આસપાસ ઉપવાસ કરવા માટે પોલીસ કમિશ્નર પાસે મંજુરી પણ મંજૂરી માંગી હતી. પરંતુ કોઈ કારણોસર જણાવ્યા વગર અમારી અરજીને ફગાવી દેવાઈ છે. જેના લીધે અમે હાઈકોર્ટમાં ઉપવાસ આંદોલન માટેનું સ્થળ મેળવવા માટે પણ અરજી કરી છે. અમને ન્યાય તંત્ર પર ભરોસો છે.