સલમાન ખાન 27 ડિસેમ્બરના 56 માં જન્મદિવસ ઉજવણી કરે તે તેમને ગઈ કાલ રાત્રીના સાપે ડંખ માર્યો હોવાનું સામે આવ્યું છે. સલમાન ખાન પનવેલ ફાર્મહાઉસમાં બર્થડેની ઉજવણી માટે ગયો હતો. નોંધનીય છે કે પનવેલ ફાર્મ હાઉસ પર્વતીય વિસ્તારમાં આવેલ છે અને તેની સાથે તે જંગલ વિસ્તારમાં પણ છે. જેના લીધે સાપ અને અજગર અવારનવાર અહીંયા જોવા મળી જાય છે.
જ્યારે સલમાન ખાન દર વર્ષની જેમ આ વર્ષે પણ બર્થડેની ઉજવણી માટે પનવેલ ફાર્મહાઉસ પહોંચ્યો હતો. તે દરમિયાન સલમાનને સાપે ડંખ મારી લીધો હતો. સલમાનને કામોઠે વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી મિશન હોસ્પિટલમાં રાત્રીના ત્રણ વાગે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સલમાનને આજે એટલે કે 26 ડિસેમ્બરે સવારના નવ વાગે રજા આપી દેવામાં આવી હતી અને સલમાન ખાન પોતાના ફાર્મહાઉસ પરત પણ આવી ગયો છે. સલમાનને બિન ઝેરી સાપ દ્વારા ડંખ મારવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, સલમાન ખાન ત્યાં મિત્રો સાથે પહોંચ્યો હતો. જ્યારે વાતચીત દરમિયાન સલમાનને એ વાતનો અહેસાસ થઈ ગયો કે તેને હાથમાં કંઈક થયેલ છે. ત્યારબાદ સલમાને આજુબાજુ નજર કરી તો તેણે સાપને જોયો હતો. સાપ જોઈને સલમાન ખાન એકદમ ભયભીત થઈ ગયો હતો અને તેને તરત જ બૂમો પાડવાનું શરુ કરી દીધું હતું. જ્યારે હોસ્પિટલમાં છ-સાત કલાક રહ્યા બાદ સલમાનને રજા આપી દેવાઈ છે.
સલીમ ખાન દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં દીકરા સલમાન ખાનની તબિયત અંગે વાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘સલમાન ખાનને સાપે ડંખ માર્યો ત્યારે અમે ઘણાં ભયભીત થઈ ગયા હતા. ત્યાર બાદ સલમાનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને તેને ઇન્જેક્શન આપી દેવામાં આવ્યું હતું. ભગવાનની દયાથી સાપ ઝેરી નહોતો.’ જ્યારે હોસ્પિટલથી સલમાન ખાન ફાર્મહાઉસ આવ્યો હતો અને તે સૂઈ ગયો હતો. અમે તેની સાથે વાત પણ કરી હતી અને તેની તબિયત પણ સારી હતી. ચિંતાનું કોઈ કારણ નહોતું, પરંતુ અમે ઘણાં ભયભીત થઈ ગયા હતા.’
સ્ટાફે સલમાનને ડંખ મારનાર સાપને પકડી પાડ્યો
સલીમ ખાને એમ પણ કહ્યું હતું કે ફાર્મ હાઉસના સ્ટાફને ઘણીવાર સાપ તથા કરોળિયાએ ડંખ માર્યો છે. જોકે, મોટાભાગે સાપ બિન ઝેરી જ હોય છે. સલમાન ખાનને જે સાપે ડંખ માર્યો હતો તે સાપને સ્ટાફે પકડી પાડ્યો હતો. જોકે, તેમણે હંમેશાં સ્ટાફને કહી રાખ્યું છે કે જો સાપ બિન ઝેરી હોય તો તેને મારવો નહીં અને જંગલમાં છોડી મૂકવો. સલમાનને ડંખ મારનાર સાપ પણ બિન ઝેરી હોવાથી તેને ફાર્મહાઉસથી થોડે દૂર આવેલા જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.