દુનિયામાં આજે પણ એવા ઘણા રહસ્યો છે, જેના પર વિશ્વાસ નથી થતો. આ રહસ્યોમાંથી એક છે આકાશમાંથી માછલીઓનો વરસાદ. આવો જ એક કિસ્સો અમેરિકાના ટેક્સાસમાં જોવા મળ્યો છે. ટેક્સાસ અને અરકાનસાસ સુધી વિસ્તરેલા ટેક્સારકાનામાં બુધવારે તોફાની વરસાદમાં આકાશમાંથી માછલીઓ વરસી હતી. આ વિસ્તારમાં એકસાથે બે તોફાન આવ્યા અને તે ગયા પછી, લોકોને સેંકડો માછલીઓ રસ્તાઓ પર પડેલી જોવા મળી.
એનિમલ રેઈન તરીકે ઓળખવામાં આવે છે આવા વરસાદને
માછલીનો વરસાદ એનિમલ રેઈન તરીકે પણ ઓળખાય છે. ટેક્સાસ અને અરકાનસાસના રહેવાસીઓએ સોશિયલ મીડિયા પર ઘટના સાથે જોડાયેલા ઘણા ફોટો અને વીડિયો શેર કર્યા છે. ટેક્સરકાનાના ઓફિશિયલ ફેસબુક પર પોસ્ટમાં જણાવાયું છે કે આજે ટેક્સરકાનામાં માછલીઓનો વરસાદ થયો હતો. આ પોસ્ટમાં ઘાસ પર પડેલી માછલીની તસવીર પણ શેર કરવામાં આવી છે.
પ્રત્યક્ષદર્શીએ જણાવી આંખોદેખી
સાક્ષી જેમ્સ ઓડિર્શએ WCIA ને કહ્યું કે તે ટેક્સાસ નજીક એક વપરાયેલી કારની ડીલર શોપ પર કામ કરી રહ્યો હતો ત્યારે તેણે બહાર વરસાદ અને વીજળીના કડાકાનો અવાજ સાંભળ્યો. જ્યારે તેણે તેની દુકાનનો દરવાજો ખોલ્યો અને બહાર જોયું તો ભારે વરસાદ પડી રહ્યો હતો અને ઘણી માછલીઓ જમીન પર પડી હતી. અન્ય એક યુઝરે પણ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો અને તેને કેપ્શન આપ્યું, ‘હા. મારા ઘરે પણ માછલીઓનો વરસાદ થયો.
અમેરિકન હવામાન વિભાગે શું કહ્યું?
યુએસ નેશનલ વેધર સર્વિસના હવામાનશાસ્ત્રી ગેરી ચેટેલિયને જણાવ્યું હતું કે આ માછલીઓ જોરદાર પવન સાથે આકાશમાં ઉડી જાય છે. વરસાદ દરમિયાન, તે આકાશમાંથી જમીન પર પડવા લાગે છે. ટેક્સાસમાં માછલીઓના વરસાદ અંગે તેમણે કહ્યું કે આ માછલીઓ લેક ટેક્સોમા તળાવથી લઈને અન્ય ઘણી જગ્યાએથી પણ આવી શકે છે. તેમણે કહ્યું કે જે પણ ઉપર જાય છે તેને એક દિવસ જમીન પર આવવું જ પડે છે. માછલીઓ સાથે પણ એવું જ થાય છે.
શા માટે થાય છે માછલીઓનો વરસાદ?
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવી ઘટનાઓ ટોર્નેડો અથવા જોરદાર વાવાઝોડાને કારણે થાય છે. જ્યારે ટોર્નેડો સમુદ્ર અથવા મોટા તળાવને પાર કરે છે, ત્યારે તેની ઝડપ જમીન પર વધુ વધી જાય છે. આ સમય દરમિયાન ફૂંકાતા પવનમાં માછલીઓ, દેડકા, કાચબા, કરચલા અને ક્યારેક મગરને પણ તેની સાથે લઈ જાય છે. આ જીવો આ ટોર્નેડો સાથે ઉડતા રહે છે અને જ્યાં સુધી પવનની ગતિ ઓછી ન થાય ત્યાં સુધી આકાશમાં રહે છે. પવન ધીમો પડતાં જ આ જીવો તે વિસ્તારમાં આકાશમાંથી પડવા લાગે છે.