તાલિબાનોએ નહેરમાં ઠાલવ્યો 3000 લીટર દારૂ, કહ્યું- મુસ્લિમો તેને બનાવવા અને વેચવાથી દૂર રહે

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ હવે ઇસ્લામિક કાયદાનો કડક અમલ શરૂ કર્યો છે. રવિવારે, તાલિબાન ગુપ્તચર એજન્ટોની એક ટીમે કાબુલમાં હજારો લિટર દારૂ જપ્ત કર્યો હતો. આ એજન્ટોએ કેમેરાની સામે જપ્ત કરાયેલો દારૂ કાબુલની એક કેનાલમાં ઠાલવ્યો હતો. તાલિબાને પણ અફઘાન મુસ્લિમોને દારૂનું ઉત્પાદન અને વેચાણ બંધ કરવાની ચેતવણી આપી છે.

મુસ્લિમોને દૂર રહેવાની સલાહ આપી: તાલિબાનના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ઈન્ટેલિજન્સ (GDI) દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયો ફૂટેજમાં કાબુલમાં દરોડા દરમિયાન તેના એજન્ટો દારૂના બેરલને નહેરમાં ઠાલવતા દેખાઈ રહયા છે. રવિવારે ટ્વિટર પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં એક ગુપ્તચર અધિકારીએ કહ્યું કે મુસ્લિમોએ દારૂ બનાવવા અને વેચવાના વ્યવસાયથી ગંભીરતાથી દૂર રહેવું જોઈએ.

ત્રણ ડીલરોની ધરપકડ કરી: જો કે, દરોડો ક્યારે પાડવામાં આવ્યો હતો અથવા દારૂના કન્સાઇનમેન્ટનો ક્યારે નાશ કરવામાં આવ્યો હતો તે સ્પષ્ટ નથી. તેમ છતાં તાલિબાનની ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે આ દરોડા દરમિયાન ત્રણ ડીલરોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ લોકો પર ઇસ્લામિક કાયદા અનુસાર કેસ ચલાવવામાં આવશે અને સજા નક્કી કરવામાં આવશે. ઇસ્લામમાં દારૂને હરામ માનવામાં આવે છે.

દારૂ અને અન્ય નશીલા પદાર્થો સામે કાર્યવાહી તેજ: અફઘાનિસ્તાનની નાગરિક સરકારમાં પણ દારૂના વેચાણ પર પ્રતિબંધ હતો. અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ તાલિબાને આ કાયદાનો વધુ કડક અમલ કર્યો છે. તાલિબાને દેશભરમાં ડ્રગ્સના વેપાર સામે અનેક દરોડા પણ પાડ્યા છે. જેમાં અફીણ અને અન્ય નશીલા પદાર્થોના ઉત્પાદન અને દાણચોરી પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.

તાલિબાનની આવકનો સ્ત્રોત શું છે? અફઘાનિસ્તાનમાં નાગરિક શાસન દરમિયાન પણ મોટા ભાગ પર તાલિબાનનું નિયંત્રણ હતું. બળવાખોરોને નાણાં આપવા માટે આતંકવાદી જૂથ આ વિસ્તારોમાંથી જંગી રકમની ઉચાપત કરતું હતું. તાલિબાને 2019-2020માં જ વિવિધ સ્ત્રોતોમાંથી $1.6 બિલિયનની કમાણી કરી હતી. ખાસ કરીને તાલિબાને એ વર્ષે અફીણના વેચાણથી $416 મિલિયનની કમાણી કરી હતી. લોહ અયસ્ક, આરસ અને સોનું જેવા ખાણમાંથી મળતા ખનિજોમાંથી $400 મિલિયનથી વધુ અને ખાનગી દાતાઓ અને જૂથો તરફથી મળેલા દાનથી $240 મિલિયનની કમાણી કરી.

Scroll to Top