ગુજરાતના ખેડૂતો ફરી ચિંતામાં, હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી

એક તરફ ભાર શિયાળો ચાલી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં ફરી એક વાર કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 5 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ અમદાવાદમાં 8 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 5 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા મહિસાગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિ પાકની ઋતુમાં વરસાદની આગાહીથી જગતના તાતને ફરી એક વાર પાકને થવાની ભીતિ સતાવી રહી છે. ખેડુઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના લણેલા પાકને નુકશાનથી બચાવવા માટે ખુલ્લી જગ્યામાંથી કોઈ સલામત સ્થળે ખસેડી લે.

ઠંડીનો પણ ચમકારો જોવા મળશે: છેલ્લાં ચાર દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવનોને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. વાતાવરણમાં ખૂબ જ ઠંડક પ્રસરી ગઈ છે, જો કે શનિવારથી ઠંડા પવનોનું જોર ઘટતાં ઠંડીમાં આંશિંક ઘટાડો નોંધાયો છે છતાં ઠંડી તો પડી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે-ત્રણ દિવસો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં આવતા અઠવાડિયા દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા છે.

હવામાન વિભાગના અહેવાલ મુજબ, શુક્રવારે મોડી રાત સુધી શહેરમાં ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. શનિવારે સવારથી અમદાવાદનું તાપમાન વધતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન 3 ડિગ્રી વધીને 27.5 ડિગ્રી અને લઘુતમ પણ 3 ડિગ્રી વધીને 15.1 ડિગ્રી નોંધાયું હતું.

હવે આગામી બેથી ચાર દિવસો દરમિયાન અમદાવાદના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થશે પણ 8 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે. રાજ્યમાં 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી 4થી 5 દિવસોમાં શહેરોના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં રાજ્ય સહિતના કેટલાક વિસ્તારોમાં માવઠું અને વરસાદી છાંટા પડવાને કારણે ઠંડી વધી હતી. આ ઉપરાંત ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ઠંડા પવન શરૂ થતાં શહેરમાં ઠંડી વર્તાઈ હતી. હવે ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે પણ અમદાવાદમાં 8 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે.

Scroll to Top