સૈફ અલી ખાનની બહેનને લાગતું હતું કે ઇમરાન હાશ્મી સારો એક્ટર નથી! જાણો કારણ

સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાને ‘દિલ માંગે મોર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘તુમ મિલે’માં જોવા મળી હતી. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સોહાએ ઇમરાન હાશ્મી સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો હતો. તેણે કહ્યું કે, ‘હું તેની સાથે કામ કરતા પહેલા વિચારતી હતી કે તે સારો એક્ટર નહીં હોય, પરંતુ ઇમરાન સાથે કામ કર્યા પછી મને ખબર પડી કે તે એક સારો એક્ટર છે.’

એક ઈન્ટરવ્યુમાં સોહા અલી ખાનને પૂછવામાં આવ્યું હતું કે જો તેણે તેના બે કો-સ્ટાર આર માધવન અને ઇમરાન હાશ્મીમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય તો કોને પસંદ કરશે. આ પર સોહાએ કહ્યું, ‘મેં ઇમરાન સાથે વધુ કામ કર્યું છે કારણ કે ‘તુમ મિલે’માં મારો રોલ લાંબો હતો. મને બંને કલાકારો સાથે કામ કરવાનો સારો અનુભવ રહ્યો છે પરંતુ હું અહીં ઇમરાનનું નામ લેવા ઈચ્છું છું. મારા પર તેની છાપ રહી છે. મને લાગ્યું કે ઇમરાન ઘણો અલગ હશે. પરંતુ ફિલ્મ દરમિયાન મને ખબર પડી કે તે ખૂબ જ પ્રોફેશનલ છે. તે હંમેશા સેટ પર સમયસર આવતો હતો અને જબરદસ્ત જોશ સાથે કામ કરતો હતો. મને તેના વિશે અગાઉ કોઈ ખ્યાલ નહોતો.’

સોહા અલી ખાને કહ્યું કે, ‘મને ખબર નથી કે હું ઇમરાન હાશ્મી વિશે કેમ નેગેટિવ ફીલ કરતી હતી. મને એવું લાગતું હતું કે તે મોડો ઉઠતો હશે અને તેની લાઈનો સારી રીતે યાદ નહીં કરી શકતો હોય. હકીકતમાં, મેં આ પહેલા તેનું કામ ક્યારેય જોયું ન હતું. જયારે મેં એમની સાથે કામ કર્યું તો મને ખબર પડી કે મેં તેને ઓછો આંક્યો હતો, તે એક સારો એક્ટર છે.’

તમને જણાવી દઈએ કે સોહા અલી ખાન અને ઇમરાન હાશ્મીએ અત્યાર સુધી માત્ર એક જ ફિલ્મ ‘તુમ મિલે’માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મનું નિર્દેશન કુણાલ દેશમુખે કર્યું હતું. સોહાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘દિલ માંગે મોર’થી ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદ તે ‘મુંબઈ કટિંગ’, ‘ઢુંઢતે રહે જાઓગે’, ‘દિલ કબડ્ડી’, ‘પ્યાર મેં ટ્વિસ્ટ’ અને ‘શાદી નંબર 1’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

Scroll to Top