ટીવીના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લા હવે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ ભાગ્યે જ કોઈ દિવસ એવો હશે જ્યારે તેમના ફેન્સ તેમને યાદ નહીં કરતાં હોય. હાલમાં જ શુક્લા પરિવારે એક નિવેદન જાહેર કરીને ફેન્સને ખાસ અપીલ કરી છે. સિદ્ધાર્થ શુક્લાના પરિવારે લખ્યું છે કે, કોઇ પણ પ્રોજેક્ટમાં દિવંગત અભિનેતાનું નામ કે ચહેરો વાપરવામાં આવે તો તમારે એક વખત પરિવારને જરૂરથી પૂછવું જોઇએ. શહેનાઝ ગિલે પણ આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
સિદ્ધાર્થ શુક્લાના પરિવારે લખ્યું, “સિદ્ધાર્થ શુક્લાના તમામ ચાહકો માટે, અમે, એક પરિવાર તરીકે, તમને બધાને એક વિનંતી કરવા માંગીએ છીએ. હું આશા રાખું છું કે દરેક જણ અમારી વિનંતીનો આદર કરશે. સિદ્ધાર્થ હવે આપની વચ્ચે નથી રહ્યો. હવે તે પોતાના નિર્ણયો જાતે નહીં લઈ શકે, પરંતુ તે હંમેશા આપણા જીવનનો હિસ્સો રહેશે. આપણી યાદોમાં રહેશે. અને અમે તેમની ઇચ્છાઑ સાથે જીવીશું.”
View this post on Instagram
“અમે તે બધા લોકોને વિનંતી કરવા માંગીએ છીએ કે જે પણ કોઈ પ્રોજેક્ટમાં સિદ્ધાર્થ શુક્લાના નામ અને ચહેરાનો ઉપયોગ કરવા માંગે છે, તેઓએ પહેલા અમને એકવાર પૂછવું જોઈએ. સિદ્ધાર્થની પસંદગી વિશે અમે જાણીએ છીએ. અમે જાણીએ છીએ કે જો તે આપણા બધાની સાથે અહીં હોત તો તે શું ઇચ્છતો હોત. અમે તેમની ઇચ્છાઓને ધ્યાનમાં લીધા પછી જ નિર્ણય લઈશું. જો તે કોઈ પ્રોજેક્ટ વિશે ખુશ ન હોત, તો અમે જાણીએ છીએ કે તેને રિલીઝ કરવાની ઇચ્છા પણ નહીં હોય.”
અંતમાં લખ્યું છે કે સિદ્ધાર્થ શુક્લાની ઇચ્છાઓને ધ્યાનમાં રાખીએ અને તેમને પ્રેમ, આદર અને યાદો સાથે યાદ કરીએ જે તેમણે આપણા માટે છોડી ને ગયા છે.