દિલ્હી પોલીસે વિરાટ કોહલીના સાથી ખેલાડી સાથે કરી મારપીટ, જાણો સમગ્ર મામલો

વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમનો ભાગ રહેલા ભારતીય ખેલાડી સાથે દિલ્હી પોલીસ દ્વારા મારપીટનો મામલો સામે આવ્યો છે. અહેવાલ અનુસાર, IPL પ્લેયર વિકાસ ટોકસને 26 જાન્યુઆરીએ દિલ્હી પોલીસે ખૂબ જ ખરાબ રીતે માર માર્યો હતો. આ મારપીટમાં તેને આંખ નીચે જોરદાર મુક્કો પણ લાગ્યો હતો. 2016માં RCB ટીમનો ભાગ રહેલા વિકસે આ પછી દિલ્હી પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરિયાદ નોંધાવી છે.

વિકાસના જણાવ્યા મુજબ, 26 જાન્યુઆરીએ તેના ગામની નજીક (ભીકાજી કામા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવે છે) કેટલાક પોલીસકર્મીઓએ તેની કાર રોકી અને 2,000 રૂપિયાની માંગણી કરી. પોલીસે આરોપ લગાવ્યો કે તેણે માસ્ક પહેર્યું ન હતું. વિકાસે વિરોધ કર્યો તો પોલીસકર્મીઓ તેની કારમાં બેસી ગયા અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા. આ દરમિયાન એક પોલીસકર્મીએ તેને જોરદાર મુક્કો માર્યો હતો.

મામલો બપોરે 12 વાગ્યાનો છે, જ્યારે ક્રિકેટર મિત્રના ઘરેથી તેના ઘરે જઈ રહ્યો હતો. વિકાસે જણાવ્યું કે પોલીસકર્મીઓ તેને સ્ટેશન પર લઈ ગયા અને આરોપ લગાવ્યો કે તે રાઈફલ લઈને ભાગી રહ્યો હતો. તેઓએ તેનો ફોન છીનવી લીધો. આ પછી, સ્ટેશનના એક પોલીસકર્મીએ તેને સમાધાન કરવા કહ્યું કે તેણે ભૂલ કરી છે. આ પછી, વિકાસે ડીસીપી અને સીપીને એક ઈમેલ મોકલીને આંખ નીચે મુક્કો મારનાર અને અન્ય પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

બીજી તરફ DCP દક્ષિણ પશ્ચિમ ગૌરવ શર્માએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે ચેકિંગ માટે વિકાસને અટકાવવામાં આવ્યો હતો. આ પછી તેણે એવું કહીને ગેરવર્તન શરૂ કર્યું કે એક કોન્સ્ટેબલમાં નેશનલ લેવલના ક્રિકેટરને રોકવાની હિંમત કેવી રીતે થઈ. આ પછી તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો, જ્યાં વિકાસ અને તેના સસરાએ લેખિત માફી માંગી. જે બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો અને હવે તે ખોટા આરોપો લગાવી રહ્યો છે. ડીસીપીએ કહ્યું કે વિકાસની આંખ નીચે ઈજા પોલીસ સ્ટેશન લાવતી વખતે થઈ હતી.

 

Scroll to Top