ઉત્તર પ્રદેશ ચૂંટણી: કાર પર અંધાધૂંધ ફાયરિંગ બાદ ઓવૈસી માંડમાંડ બચ્યા

ઉત્તર પ્રદેશના હાપુડમાં અસદુદ્દીન ઓવૈસીની કાર પર ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. AIMIM પ્રમુખ ઓવૈસીએ પોતે ટ્વિટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. આ ઘટના ટોલ ટેક્સ પાસે બની હતી. ઘટનાની ફરિયાદ બાદ પોલીસ ટોલ ટેક્સના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે.

ઓવૈસી પિલખુવા છિઝરસીથી ચૂંટણી રેલીને સંબોધીને પરત ફરી રહ્યા હતા. હુમલાખોરોએ ટોલ ટેક્સ પાસે તેમના કાફલા પર ગોળીબાર શરૂ કર્યો હતો. ઓવૈસી જે કારમાં બેઠા હતા તેના ટાયર પણ પંકચર થઈ ગયા હતા. ઘટના બાદ ઓવૈસીએ મીડિયાને કહ્યું કે જ્યારે તેમનો કાફલો પિલખુઆ પહોંચ્યો ત્યારે જોરદાર અવાજ આવ્યો.ત્યારબાદ ડ્રાઈવરે કહ્યું કે હુમલો થયો છે. આ પછી, ફરીથી ત્રણ-ચાર વખત ફાયરિંગનો અવાજ આવ્યો. અમે કાર ઝડપથી હંકારી, તે દરમિયાન અમારા વાહનના ડ્રાઈવરે હુમલાખોરને ટક્કર મારી. હુમલાખોરોમાંથી એકે લાલ જેકેટ પહેર્યું હતું.

તેમણે કહ્યું કે આ હુમલાનો મામલો ગૃહમાં ઉઠાવવામાં આવશે. આ માહિતી લોકસભાના અધ્યક્ષને પણ આપવામાં આવશે. તેમણે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે પોલીસ દ્વારા હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાસ્થળેથી હુમલામાં વપરાયેલા હથિયારો પણ મળી આવ્યા છે.

ઓવૈસીએ ટ્વીટ કર્યું કે થોડા સમય પહેલા છિઝરસી ટોલ ગેટ પર મારી કાર પર ગોળી ચલાવવામાં આવી હતી. 4 રાઉન્ડ ફાયરિંગ. ત્યાં 3-4 લોકો હતા, તે બધા ભાગ્યા અને હથિયારો ત્યાં જ છોડી દીધા. મારી કારમાં પંકચર થયું, પણ હું બીજી કારમાં બેસીને ત્યાંથી નીકળી ગયો. અમે બધા સુરક્ષિત છીએ. અલહમદુલિલ્લાહ.

પોલીસે જણાવ્યું કે હુમલાખોરોની ઓળખ થઈ ગઈ છે. તેમાંથી એકની ધરપકડ પણ કરવામાં આવી છે. હુમલાખોરોએ શા માટે હુમલો કર્યો તે પ્રશ્ન પર પોલીસે કહ્યું કે આ મામલાની દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે, ટૂંક સમયમાં તમામ ભેદ ઉકેલાઈ જશે. પોલીસે જણાવ્યું કે હુમલામાં વપરાયેલ હથિયાર પણ સ્થળ પરથી મળી આવ્યું છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ બંને હુમલાખોરોની પૂછપરછ બાદ જ સ્પષ્ટ થશે.

Scroll to Top