ભાવનગર-રાજકોટ હાઈવે પર જાનૈયા ભરેલા ટ્રકનો અકસ્માત, 31નાં મોત, CM એ કરી રૂ. 4 લાખની સહાયની જાહેરાત

મંગળવારે વહેલી સવારે ભાવનગરમાં જાનૈયાઓને લઈ જઈ રહેલો ટ્રક પુલ પરથી ખાબકતા 31 લોકોના મોત થયાની ઘટનામાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં જેના લગ્ન હતા તે વરરાજા પણ આ જ ટ્રકમાં જવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ પ્લાન બદલાતા વરરાજાનું ટ્રકમાં જવાનું કેન્સલ રાખવામાં આવ્યું હતું.

આ ગમખ્વાર અકસ્માતમાં વરરાજાના માતા-પિતા તેમજ ભાઈ-ભાભીનું પણ કરુણ મોત થયું છે. પરંતુ, રિવાજ અનુસાર, લગ્નપ્રસંગ મોકૂફ ન રખાતા 31 લોકોના મોત બાદ પણ લગ્ન વિધિ યોજવામાં આવી છે, અને વરરાજા સમગ્ર ઘટનાથી અજાણ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પાલિતાણાના અનિરા ગામે રહેતા વિજય વાઘેલાની જાન બોટાદના ટાટમ ગામે જવાની હતી. ગરીબ પરિવારે જાનૈયાઓને લઈ જવા ટ્રક ભાડે કર્યો હતો, અને વરરાજા પણ તેમાં જ સવાર થવાના હતા.

વરરાજા વિજય વાઘેલા પોતાના પરિવારજનો સાથે જે ટ્રક ભાડે કરવામાં આવ્યો હતો, તેમાં જ બેસીને પરણવા જવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ વરરાજા માટે ગાડીની વ્યવસ્થા થઈ ગઈ હતી, અને તેમાં બેસીને જ તેઓ લગ્ન કરવા માટે નીકળ્યા હતા. તેવામાં રાજકોટ-ભાવનગર હાઈવે પર ટ્રક 20 ફુટ ઉંચા પુલ પરથી ખાડીમાં ખાબકતા આ શુભ પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.

જે લોકોના મૃત્યુ થયા છે તેમાંથી 22 લોકોની ઓળખ કરવામાં આવી છે, જ્યારે અન્ય મૃતકોની ઓળખ મેળવવાની હજુ બાકી છે. વિજયની જાન લઈને નીકળેલા જાનૈયાઓને કદાચ કલ્પના પણ નહોતી કે રસ્તામાં તેમને આટલો મોટો અકસ્માત નડવાનો છે. તેઓ જાન લઈ વહુના ઘરે પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમને લઈ જઈ રહેલી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક 20 ફુટ નીચે ખાઈમાં ખાબકી હતી, જેમાં 25 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જોકે, અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ દુર્ઘટનાનો ભોગ બનનારા ટ્રકમાં વરરાજાના પરિવારજનો પણ સવાર હતા. જેમાં વરરાજાના માતા-પિતા, ભાઈ-ભાભી અને બહેન પણ સવાર હતા. જેમાંથી તેમના માતા-પિતા, ભાઈ-ભાભી અને દાદાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલાને સરકાર દ્વારા ચાર લાખની મદદ જાહેર કરવામાં આવી છે.

તાજેતરના સમયમાં બનેલા સૌરાષ્ટ્રના સૌથી ગમખ્વાર કહી શકાય તેવા આ અકસ્માતના પીડિતોને પીએમ મોદી, સીએમ રુપાણી, ડે. સીએમ નીતિન પટેલ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. મંત્રી પુરુષોત્તમ સોલંકીએ પણ આ પ્રસંગે સમગ્ર કોળી સમાજને પીડિત પરિવારની પડખે રહેવા હાંકલ કરી હતી. આ ઘટના બાદ PM ઓફીસ તરફથી પણ સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી હતી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top