દિલ્હી મેટ્રો સ્ટેશન પર મોબાઈલ જોઈને ચાલી રહ્યો હતો યુવક, અચાનક પડ્યો ટ્રેક પર, પછી…

આખો દિવસમાં મોબાઈલમાં વ્યસ્ત રહેતા લોકો માટે દિલ્હીથી એક સમાચાર પરેશાન કરી નાખે એવી ખબર સામે આવી છે. અહીં મોબાઈલમાં વ્યસ્ત એક વ્યક્તિ દિલ્હી મેટ્રો સ્ટેશનના ટ્રેક પર પડી ગયો. સદ્નસીબે તે સમયે મેટ્રો રેલ આવી ન હતી નહીંતર મોટી દુર્ઘટના થઈ શકી હોત. જોકે સમય રહેતા જ CISFના જવાને આ વ્યક્તિને ટ્રેક પરથી ઉઠાવી લીધો હતો.

આ ઘટના દિલ્હીના શાહદરા મેટ્રો સ્ટેશનની છે. જ્યાં શુક્રવારે શૈલેન્દ મહેતા નામનો એક વ્યક્તિ મોબાઈલમાં એટલો વ્યસ્ત હતો કે મોબાઈલ વાપરતી વખતે તે પ્લેટફોર્મ પરથી મેટ્રોના ટ્રેક પર પડી ગયો હતો. આ દરમિયાન મેટ્રો સ્ટેશન પર હાજર CISFની ક્વિક રિસ્પોન્સ ટીમ એક્શનમાં આવી ગઈ અને કોન્સ્ટેબલ રોહતાસ ચંદ્રાએ ચપળતા બતાવીને ટ્રેક પર પડેલા વ્યક્તિને ઉઠાવીને પ્લેટફોર્મ પર બેસાડ્યો.

આ ઘટનામાં શૈલેન્દ્ર મહેતાને પગમાં સામાન્ય ઈજા થઈ છે, પરંતુ રાહતની વાત એ છે કે જે સમયે આ અકસ્માત થયો તે સમયે ત્યાંથી કોઈ મેટ્રો ટ્રેન પસાર થઈ રહી ન હતી. નહીંતર ચિત્ર જુદું હોત. CISFએ ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી. દિલ્હીના શાહદરા મેટ્રો સ્ટેશન પર થયેલા અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

દિલ્હીમાં બનેલી આ ઘટના એ તમામ લોકો માટે બોધપાઠ છે જેઓ મોબાઈલમાં વ્યસ્ત રહે છે. મોબાઈલ પર વ્યસ્ત રહેવું ક્યારેક જીવન માટે ઘાતક સાબિત થઈ શકે છે. વાહન ચલાવતી વખતે કે રસ્તા પર ચાલતી વખતે મોબાઈલ પર રહેવાથી કે ઈયર ફોનથી મ્યુઝિક સાંભળવાથી મોટાભાગે મોટા અકસ્માતો થઈ શકે છે અને આવા અનેક અકસ્માતો દેશમાં જોવા મળ્યા છે.

Scroll to Top