સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા ભારતીયો માટે સારા સમાચાર છે. 2 ફેબ્રુઆરીથી દેશમાં નવો શ્રમ કાયદો અમલમાં આવ્યો છે. નવા કાયદામાં કામદારોને નવા અધિકારો આપવામાં આવ્યા છે. UAEની અર્થવ્યવસ્થામાં ભારતીય નાગરિકોનો મોટો ફાળો છે. એવામાં એવું માનવામાં આવે છે કે ભારતીય કામદારોને પણ નવા કાયદાથી ઘણા ફાયદા મળશે.
દેશની કુલ વસ્તીના 40 ટકા ભારતીયો છે અને તેમની સંખ્યા 35 લાખ છે. UAE ના ખાનગી ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો કામ કરે છે. નવો ફેડરલ ડિક્રી કાયદો નંબર 33 કામદારોના અધિકારોના રક્ષણની ગેરેન્ટી આપે છે. UAEના માનવ સંસાધન મંત્રાલયે કહ્યું કે નવા કાયદા મુજબ હવે દરેક નાની-નાની બાબતોની માહિતી જોબ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે.
નવા કરારમાં દરેક માહિતીનો સમાવેશ કરવામાં આવશે
નવા કરારમાં કામદાર, તેના એમ્પ્લોયર, નોકરીનું વર્ણન, કામના કલાકો, રજાઓ, જોડાવાની તારીખ, કામ કરવાની જગ્યા, પગાર, વાર્ષિક રજા, નોટિસનો સમયગાળો સહિતની દરેક માહિતી સામેલ હશે. આ અંગે યુએઈના એક વકીલે કહ્યું કે નવા કાયદા સાથે હવે જોબ કોન્ટ્રાક્ટ મર્યાદિત સમય માટે રહેશે, જે પહેલા એવું નહોતું. કંપનીઓ હવે વધુમાં વધુ ત્રણ વર્ષ માટે કામદારોને નોકરી પર રાખી શકશે. તે પછી તેને ફરીથી રિન્યુ કરાવવાનું રહેશે.
અઠવાડિયામાં ઓછામાં ઓછી એક રજા મળશે
સરકારે તમામ ખાનગી કંપનીઓને નવા કાયદા અનુસાર નવા કોન્ટ્રાક્ટ તૈયાર કરવા જણાવ્યું છે. કાયદો લાગુ થયાના એક વર્ષની અંદર કંપનીઓએ તેમના જોબ કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરવો પડશે. નવા કાયદાથી હવે કોઈપણ એમ્પ્લોયર કાયમ માટે કામદારને નોકરી પર રાખી શકશે નહીં. મુસાબાએ કહ્યું કે હવે કામદારોને પણ કેટલીક નવી રજાઓ મળશે. કંપનીઓએ તેમના કર્મચારીઓને દર અઠવાડિયે ઓછામાં ઓછી એક રજા આપવી પડશે.
નવા કાયદાથી રજાઓનો લાભ મળશે
આ ઉપરાંત ઘરે કોઈનું મૃત્યુ થાય તો ત્રણથી પાંચ રજા, પરીક્ષાની તૈયારી માટે 10 દિવસની રજા, મહિલાઓ માટે 60 દિવસની પ્રસૂતિ રજા, પ્રેગ્નન્સી દરમિયાન 45 દિવસની રજા પગાર સાથે અને 15 દિવસની રજા અડધા પગાર સાથે શરતી રીતે મળશે. નવો કાયદો કર્મચારીઓ અને એમ્પ્લોયર વચ્ચે પારદર્શિતા વધારશે. નવા શ્રમ કાયદાને લાગુ કરવા પાછળ યુએઈનો હેતુ વિદેશી કામદારોને આકર્ષવાનો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આનાથી UAE ના એમ્પ્લોયર અને કર્મચારીઓ વચ્ચે વધુ સારા સંબંધો બનશે.