તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યારથી સ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. હોસ્પિટલોથી લઈને શાળાઓ સુધીની દશા અવદશામાં ફેરવાઈ ગઈ છે. ડ્રગની સમસ્યાને દૂર કરવા માટે તાલિબાને રિહેબ સેન્ટરો સ્થાપ્યા હતા. જેમાં હજારો લોકો દાખલ છે, પરંતુ અહીંની વ્યવસ્થા એટલી ખરાબ છે કે કેદીઓ માનવભક્ષી બની રહ્યા છે. એવું પણ જાણવા મળે છે કે કેટલાકે બિલાડી અને માનવ માંસ ખાઈને જીવવાનું શરૂ કરી દીધું છે.
ડેઈલી મેલના અહેવાલ મુજબ, ગયા મહિને ડેનિશ પત્રકાર સાથે વાત કરતી વખતે, આવી જ એક ‘હોસ્પિટલ’માંથી સાજા થયેલા એક વ્યક્તિએ કહ્યું, ‘તેઓએ એક વ્યક્તિની હત્યા કરી અને તેના શરીરને બાળી નાખ્યું. કેટલાક લોકો તેના આંતરડા ખાઈ ગયા.’
અબ્દુલ નામના અન્ય કેદીએ કહ્યું કે ‘દર્દીઓ માટે ભૂખ્યા રહેવું એ સામાન્ય બાબત બની ગઈ છે. જેના કારણે અનેક લોકો મૃત્યુ પામે છે.’ એ વ્યક્તિએ જણાવ્યું કે એક દિવસ પાર્કમાં ફરતી બિલાડીને લોકોએ પકડીને ખાધી. એક માણસે બિલાડીની ગરદન કાપી અને ખાઈ ગયો.
યુએનના રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાન લાંબા સમયથી ગેરકાયદે અફીણ અને હેરોઈનનો વિશ્વનો સૌથી મોટો સપ્લાયર રહ્યો છે. 2017 માં, એકલા અફઘાનિસ્તાને વિશ્વની 80 ટકાથી વધુ ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. આ વર્ષે 1.4 બિલિયન ડોલરના ડ્રગ્સનો વેપાર થયો હતો.
યુએન ઓફિસ ઓફ ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (UNODC) ના કાબુલ કાર્યાલયના વડા સેઝર ગુડ્સે રોઇટર્સને જણાવ્યું હતું કે તાલિબાન તેની આવકના મુખ્ય સ્ત્રોત તરીકે અફઘાન અફીણના વેપાર પર આધાર રાખે છે. વધુ ઉત્પાદનને કારણે ડ્રગ્સ સસ્તું થઈ ગયું છે અને વધુ લોકો સુધી પહોંચી શકે છે.