કોણ છે તે વિદ્યાર્થિની? જેણે એકલીએ ટોળાની સામે અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા?

કર્ણાટકના એક જિલ્લામાંથી શરૂ થયેલ હિજાબનો હંગામો હવે આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ દરમિયાન મંગળવારના રોજ માંડ્યા પ્રિ-યુનિવર્સિટી કોલેજમાં જય શ્રી રામના નારા લગાવતા ટોળાએ હિજાબ પહેરેલી વિદ્યાર્થીની પાસે આવવાનું શરૂ કર્યું. વિદ્યાર્થિની પણ પાછળ હટી નહીં અને અલ્લાહ હુ અકબરના નારા લગાવીને જવાબ આપતી રહી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયુવેગે વાયરલ થયો હતો. હવે આ યુવતી કોણ છે અને તેનું નામ શું છે તેને લઇ ખુલાસો થયો છે. યુવતીનું નામ મુસ્કાન છે. એક ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં મુસ્કાને આખી ઘટના જણાવી હતી.

મુસ્કાને જણાવ્યું કે ભગવા દુપટ્ટા પહેરેલા યુવકોના ટોળાને જોઇ તે ન તો ગભરાઈ હતી કે ન તો ડરી. ખરેખરમાં એવું બન્યું કે હું મારા અસાઇનમેન્ટ્સ સબમિટ કરવા માંગતી હતી, તેથી હું કોલેજમાં પ્રવેશ કર્યો. પરંતુ તેઓ મને કોલેજમાં પ્રવેશવા દેતા ન હતા કારણ કે મેં બુરખો પહેર્યો હતો. જોકે કોઈક રીતે હું અંદર પ્રવેશી ગઇ ત્યારબાદ તેમણે મારી સામે જય શ્રી રામની બૂમો પાડવાનું શરૂ કર્યું. તે પછી મેં અલ્લાહ હુ અકબરના નારા લગાવવાનું શરૂ કર્યું. ટોળામાં માત્ર 10 ટકા છોકરાઓ કોલેજના હતા અને બાકીના બહારના હતા. શાળાના આચાર્ય અને શિક્ષકોએ મને ટેકો આપ્યો અને મને ભીડથી બચાવી.

મુસ્કાને વધુમાં કહ્યું કે તેની સાથે ભણતા કોઈપણ વિદ્યાર્થીને હિજાબથી કોઈ સમસ્યા નથી. તેને દરેકનો સહયોગ મળી રહ્યો છે, દરેક તેની સાથે છે. બહારના લોકો છે જેઓ ભગવો પહેરીને હંગામો મચાવે છે. મુસ્કાને કહ્યું કે તે અમને શાળામાંથી દૂર લઈ જવા માંગે છે પરંતુ તે શાળા છોડશે નહીં કે કોઈના ડરથી હિજાબ પહેરવાનું બંધ કરશે નહીં.

શું છે સમગ્ર મામલો

કર્ણાટકમાં લાંબા સમયથી હિજાબનો વિવાદ ચાલી રહ્યો છે. જાન્યુઆરીમાં ઉડુપીની પ્રી-યુનિવર્સિટી કોલેજમાં કેટલીક વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા બદલ વર્ગોમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જે બાદ આ છોકરીઓ ક્લાસની સામે જ બેસી ગઈ હતી. ઉડુપીની વિદ્યાર્થીની રેશ્માએ આ મામલે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં તેણે હિજાબ પહેરીને ક્લાસમાં જવાની પરવાનગી માંગી છે. કોર્ટ આ અંગે સુનાવણી કરી રહી છે. મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી છે, કોર્ટ બુધવારે ફરીથી સુનાવણી કરશે.

Scroll to Top