ઓગસ્ટ 15, 2021 … એટલે કે, જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાન દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે રાષ્ટ્રપતિ અશરફ ગની સૌથી પહેલા દેશ છોડીને ભાગી ગયા હતા. તેમને UAE દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. પરંતુ બીજી બાજુ યુક્રેનના રાષ્ટ્રપતિ વેલોડીમીર ઝેલેન્સ્કી છે. જેમણે એ જાણીને ઘૂંટણિયે પડવાનો ઇનકાર કર્યો છે કે તેમની સેના લાંબા સમય સુધી રશિયાને પડકાર આપી શકશે નહીં. ઝેલેન્સકીએ યુક્રેનની સુરક્ષા માટે યુએસની એક ઓફરને પણ ઠુકરાવી દીધી છે જેમાં તેમને સુરક્ષિત બહાર નીકાળવાની ઓફર કરવામાં આવી હતી.
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ રશિયાના હુમલા વચ્ચે યુએસએ યુક્રેનના રાષ્ટ્રપતિ વેલોદિમિર ઝેલેન્સકીને દેશમાંથી બહાર કાઢવાની ઓફર કરી હતી. જો કે ઝેલેન્સકી આ વાતને નકારે છે. તેમણે કહ્યું છે કે તેમને લડવા માટે હથિયારની જરૂર છે કારની નહીં.
અમેરિકાએ પહેલાથી જ ઓફર કરી હતી: રિપોર્ટ અનુસાર અમેરિકી ગુપ્તચર એજન્સી CIAના ડાયરેક્ટર વિલિયમ જે. બર્ન્સ જાન્યુઆરીમાં ઝેલેન્સકીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિને તેમની સુરક્ષાને લઈને ગંભીર ચેતવણી આપી હતી. આ પછી રશિયન બાજુથી ઘટનાક્રમ ઝડપથી વધ્યો અને હવે કિવ પર કબજો મેળવવાની લડાઈ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ લડાઈની વચ્ચે અમેરિકી સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે અમેરિકા કોઈપણ સમયે યુક્રેનમાંથી ઝેલેન્સકીને બહાર કાઢવા માટે તૈયાર છે. જેથી તેઓને રશિયન સૈનિકો દ્વારા પકડવામાં કે માર્યા જવાથી બચાવી શકાય.
ઝેલેન્સકીનો વીડિયો સામે આવ્યો: યુએસના આ પ્રસ્તાવ વચ્ચે ઝેલેન્સકીએ એક વીડિયો જાહેર કર્યો છે. આમાં તેમણે સંદેશ આપ્યો છે કે તે યુક્રેનની આઝાદી માટે અંત સુધી લડશે. વીડિયોમાં તે કહે છે કે અમે બધા અહીં છીએ. અમારી સેના અહીં છે. તમામ નાગરિકો અહીં છે. આપણે બધા અહીં આપણી સ્વતંત્રતા, આપણા દેશની રક્ષા કરી રહ્યા છીએ અને આમ કરતા રહીશું.
ઝેલેન્સકી હિટ લિસ્ટમાં નંબર વન પર: ઝેલેન્સકીએ આ વીડિયો પહેલા એક વીડિયો જાહેર કર્યો હતો કે તેઓ રશિયન સૈનિકોની હિટ લિસ્ટમાં છે અને ટાર્ગેટમાં નંબર વન છે. તેમણે વધુમાં કહ્યુ હતું કે તેઓ ટાર્ગેટ નંબર ટુ તેનો પરિવાર છે. રિપોર્ટ અનુસાર યુએસ ઇન્ટેલિજન્સે ઝેલેન્સકીને પહેલેથી જ ચેતવણી આપી હતી કે તે નિશાના પર છે અને રશિયન હિટ ટીમો જાન્યુઆરીથી યુક્રેનમાં છે.