14 વર્ષની બાળકીએ પોતાની માતાની હત્યા કરી નાંખી… કારણ જાણી તમને લાગશે આંચકો

આજકાલ ઘણીવાર એવું જોવા મળે છે કે બાળકોને તેમના માતા-પિતા ઠપકો આપે એ પસંદ નથી. ક્યારેક તેઓ તેમના પરિવારના સભ્યો સાથે દલીલ કરે છે, ક્યારેક તેઓ ઘરેથી ભાગી જવાનો પ્રયાસ કરે છે અને ક્યારેક તેઓ ગુસ્સામાં ખતરનાક ઘટનાઓને અંજામ આપે છે. આવો જ એક કિસ્સો નોઈડાથી સામે આવ્યો છે જ્યાં એક 14 વર્ષની છોકરીએ તેની માતાને એટલા માટે મારી નાખી કારણ કે તેની માતાએ તેને ઠપકો આપ્યો હતો. આ સગીર છોકરી સામે કલમ 304 હેઠળ આરોપો નોંધવામાં આવ્યા છે.

ગુસ્સામાં કરી નાખી માતાની હત્યા

આ ઘટના નોઈડા સેક્ટર 77ની અંતરીક્ષ કેનવાલ સોસાયટીની છે. એચ બ્લોકના 14મા માળે રવિવારે રાત્રે એક લાશ મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે મહિલાની હત્યા તેની 14 વર્ષની દીકરીએ કરી હતી. નોઈડા પોલીસે માહિતી આપી હતી કે મહિલાએ તેની દીકરીને વાસણો સાફ કરવાનું કહ્યું હતું પરંતુ તેની દીકરીએ તેમ ન કર્યું. આના પર માતાએ ગુસ્સામાં તેને ઠપકો આપ્યો, જેના કારણે સગીર દીકરીએ માતાના માથા પર તવી લઈને નિર્દયતાથી મારી દીધી. જેના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું. નોઈડા પોલીસે જણાવ્યું કે મહિલાની ઓળખ 34 વર્ષીય અનુરાધા તરીકે થઈ છે અને તે મૂળ શાહદરાની રહેવાસી છે.

છોકરીને મોકલવામાં આવી સુધાર કેન્દ્ર

મળતી માહિતી મુજબ, મહિલાના લગ્ન 16 વર્ષ પહેલા થયા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ જ બંને પતિ-પત્ની અલગ રહેવા લાગ્યા હતા. મહિલાની 14 વર્ષની પુત્રી પણ તેની સાથે રહેતી હતી. આરોપી છોકરીએ તેની માતા વિશે આસપાસના લોકોને જાણ કરી હતી. મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. છોકરીએ પોતે જણાવ્યું હતું કે તેણે તેની માતાની માર મારીને હત્યા કરી દીધી.

હાલમાં, પોલીસે 14 વર્ષની છોકરી પર બિનઈરાદાની હત્યાના ગુના અંતર્ગત ધારા 304 લગાવી છે અને તેને સુધાર કેન્દ્રમાં મોકલી દેવામાં આવી છે.

Scroll to Top