રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે રશિયન પરમાણુ દળોને ‘હાઈ એલર્ટ’ પર રાખવાનો આદેશ આપ્યો જેનાથી યુક્રેન પર રશિયાના હુમલાને લઈને પૂર્વી અને પશ્ચિમી દેશો વચ્ચેના તણાવમાં વધુ વધારો થવાનો ભય છે. પુતિને જણાવ્યું હતું કે તેમણે મુખ્ય નાટો સભ્ય દેશો દ્વારા આક્રમકઃ નિવેદનબાજીના જવાબમાં આ નિર્ણય લીધો.
પુતિનના આ આદેશનો શું અર્થ?
આ આદેશનો અર્થ એ છે કે પુતિન રશિયાના પરમાણુ હથિયારોને ફાયર કરવા માટે તૈયાર રાખવા માંગે છે. તેમના આ નિર્ણયથી વિશ્વમાં પરમાણુ યુદ્ધના વાદળો મંડરવા લાગ્યા છે. જેમ જેમ મોસ્કોના દળો કિવની નજીક આવ્યા, યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે એક પ્રતિનિધિમંડળ રશિયન અધિકારીઓ સાથે બેઠક કરશે. પુતિને માત્ર નાટોના સભ્ય દેશો દ્વારા ‘એલર્ટ’ પર પરમાણુ શસ્ત્રો મૂકવાના નિવેદનો જ નહીં, પરંતુ તેમની (પુતિન) વિરુદ્ધ રશિયા અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને પણ ટાંક્યા.
નાટોના આક્રમક નિવેદન બાદ પુતિને આપ્યો આદેશ
ટોચના અધિકારીઓ સાથેની બેઠકમાં પુતિને રશિયાના સંરક્ષણ પ્રધાન અને ‘મિલિટરી જનરલ સ્ટાફ’ના વડાને પરમાણુ રોધી દળોને યુદ્ધ સંબંધિત જવાબદારી માટે તૈયાર રાખવાનો આદેશ આપ્યો હતો. એક ટેલિવિઝન નિવેદનમાં પુતિને કહ્યું, ‘પશ્ચિમી દેશો અમારા દેશ વિરુદ્ધ આર્થિક પ્રતિબંધ તો લગાવી જ રહયા છે પણ નાટોના પ્રમુખ સભ્ય દેશોના ઉચ્ચ અધિકારીઓએ અમારા દેશ અંગે આક્રમકઃ નિવેદન પણ આપ્યા છે.’
અમેરિકાએ પુતિનને ઘેર્યા
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ જણાવ્યું હતું કે પુતિન યુક્રેન પર હુમલાના ઘણા અઠવાડિયા પહેલા જે કહેતા હતા તેનું પાલન કરી રહ્યા હતા. સાકીએ કહ્યું કે પુતિન હુમલાને યોગ્ય ઠેરવવા માટે અસ્તિત્વમાં ન હોય તેવી ધમકીઓ ઉભી કરી રહ્યા છે.
રશિયાને ક્યારેય નાટો કે યુક્રેનથી ખતરો નહોતો
તેમને કહ્યું, ‘વૈશ્વિક સમુદાય અને અમેરિકન લોકોએ તેને તે રીતે જોવું જોઈએ. અમે તેમને (પુતિન) ઘણી વખત આમ કરતા જોયા છે.’ સાકીએ એક કાર્યક્રમમાં કહ્યું કે રશિયાને ક્યારેય નાટો કે યુક્રેનથી ખતરો નથી. સાકીએ કહ્યું, ‘આ તમામ રાષ્ટ્રપતિ પુતિનની પદ્ધતિ છે અને અમે તેની વિરુદ્ધ ઉભા રહીશું… અમારી પાસે આત્મરક્ષા કરવાની ક્ષમતા છે.’
ચારે તરફ થઈ રહી છે પુતિનની ટીકા
મોસ્કોના નિર્ણય પર, સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે એક ન્યૂઝ પ્રોગ્રામમાં કહ્યું, ‘રાષ્ટ્રપતિ પુતિન જે રીતે આ યુદ્ધને આગળ વધારી રહ્યા છે તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.’ તેમણે કહયું, ‘આપણે તેના પગલાની સખત શબ્દોમાં નિંદા કરવી જોઈએ.’ પુતિનના આદેશનો વ્યવહારિક અર્થ શું છે તે હજુ સ્પષ્ટ નથી.