સત્તા ગઠનના દાવા વચ્ચે ગોવામાં ભાજપમાં મતભેદ, જાણો વિવાદનું કારણ

ગોવા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ચુક્યા છે અને ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભાજપને સૌથી વધુ 20 બેઠકો મળી છે. પરંતુ પાર્ટી બહુમતના આંકડા સુધી પહોંચી શકી નથી. ગોવામાં બહુમતનો આંકડો 21 છે.

પરિણામોની જાહેરાત બાદ ગોવા બીજેપી અધ્યક્ષ સદાનંદ શેત તનાવડેએ મોટો દાવો કર્યો છે. તેમના મતે, ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યું છે અને આ સાથે ભાજપની કુલ બેઠકોનો આંકડો બહુમતીનો આંકડો પાર કરી ગયો છે.

MGPના સમર્થન સામે વિરોધ

જોકે, ભાજપના સરકાર રચવાના દાવા વચ્ચે મતભેદ હોવાના અહેવાલો છે. ગોવામાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકે સત્તાની રચના માટે મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી (MGP)નો ટેકો લેવા બદલ પાર્ટીમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

તમને જણાવી દઈએ કે ગોવા વિધાનસભા ચૂંટણીમાં MGP પાર્ટીના બે ધારાસભ્યો જીતી ગયા છે. વિજેતા ધારાસભ્યોના નામ સુદિન ધાવલીકર અને જીત અરોલકર છે. ગોવાની ચૂંટણીમાં MGPએ તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. ગોવા વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી, MGPએ ભાજપને સમર્થનનો પત્ર સોંપ્યો છે.

આવું રહ્યું ગોવાનું પરિણામ

ભાજપે સૌથી વધુ 20 બેઠકો મેળવી છે, જ્યારે કોંગ્રેસને 11, આમ આદમી પાર્ટીને 2, ગોવા ફોરવર્ડ પાર્ટીને 1, મહારાષ્ટ્રવાદી ગોમંતકને 2, રિવોલ્યુશનરી ગોઆન્સ પાર્ટીને 1 અને અપક્ષ ઉમેદવારોને 3 બેઠકો મળી છે. રાજ્યમાં કુલ 40 વિધાનસભા બેઠકો છે અને બહુમતીનો આંકડો 21 છે. જો ભાજપને અપક્ષ ઉમેદવારોનું સમર્થન મળશે તો તે રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે.

 

Scroll to Top