યુક્રેન પર હુમલાની સજા રશિયાને પ્રતિબંધોના રૂપમાં મળી રહી છે. અમેરિકા સહિત યુરોપિયન દેશોએ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. આ દરમિયાન, પ્રતિબંધોથી પરેશાન રશિયન તેલ કંપનીઓએ ભારતને તેલ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ રશિયન કંપનીઓ ભારતને કાચા તેલની કિંમત પર 25-27 % સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.
અન્ય દેશો સાથે વેપાર કરવો મુશ્કેલ
એક રિપોર્ટ અનુસાર યુક્રેન પર હુમલાને કારણે ઘણી રશિયન બેંકોને SWIFT બેંકિંગ સિસ્ટમમાંથી હટાવી દેવામાં આવી છે, જેના પછી રશિયા માટે અન્ય દેશો સાથે વેપાર કરવો મુશ્કેલ થઈ ગયો છે. રશિયાની સરકાર આ સ્થિતિમાંથી બહાર આવવા માટે નવી પેમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં વ્યસ્ત છે.
ભારત આ રશિયન કંપની પાસેથી ખરીદે છે તેલ
ભારત રશિયાની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની રોસનેફ્ટ પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે રોસનેફ્ટ અને ઈન્ડિયા ઓઈલ કોર્પોરેશને 2022 ના અંત સુધીમાં નોવોરોસિસ્ક પોર્ટ દ્વારા ભારતને 20 મિલિયન ટન તેલ સપ્લાય કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે ભારત તેલની ખરીદી માટે મધ્ય પૂર્વ પર નિર્ભર છે, પરંતુ તે અમેરિકા અને રશિયા જેવા દેશો પાસેથી તેલની ખરીદી વધારવા તરફ આગળ વધી રહ્યું છે, જેથી તેલની આયાતમાં વિવિધતા લાવી શકાય.
ચુકવણી પદ્ધતિ સ્પષ્ટ નથી
સૂત્રોને થકી જાણવા મળ્યું છે કે રશિયન ઓઈલ કંપનીઓ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની જૂની કિંમતો પર 25-27 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, જે ચોક્કસપણે એક આકર્ષક પ્રસ્તાવ છે. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ઓઈલની ખરીદી માટે કેવી રીતે ચૂકવણી કરવામાં આવશે.
RBI વૈકલ્પિક માર્ગો શોધી રહી છે
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, પ્રતિબંધો લાગુ થયાના થોડા સમય પહેલા જ રશિયન ક્રૂડ ઓઈલની કિંમતમાં 11.60 બેરલનો ઘટાડો થયો હતો. આ છતાં, રશિયન ક્રૂડ ઓઇલ માટે બિડ થઈ ન હતી, કારણ કે રશિયા પર સંભવિત પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને તેલના ખરીદદારો મળ્યા ન હતા. SWIFT બેંકિંગ સિસ્ટમમાંથી ઘણી રશિયન બેંકોને દૂર કરવામાં આવી છે, જેના કારણે વિશ્વના અન્ય દેશો માટે રશિયા સાથે વેપાર કરવો મુશ્કેલ બની ગયો છે. ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંક રશિયામાંથી તેમની આયાત માટે ચૂકવણી કરવા માટે વૈકલ્પિક માર્ગો શોધી રહી છે. ભારત આ અંગે કોઈ બીજો રસ્તો કાઢવા બેંકો અને કંપનીઓ સાથે વાત કરી રહ્યું છે.