સંસદ: આજથી બજેટ સત્રનો બીજો તબક્કો, નિર્મલા સીતારમણ પ્રથમ દિવસે જમ્મુ-કાશ્મીરનું બજેટ રજૂ કરશે

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થઈ રહ્યો છે. આ સત્રમાં પણ હોબાળો થવાની ધારણા છે. જ્યારે વિપક્ષો વધતી જતી મોંઘવારી, બેરોજગારી, કર્મચારી ભવિષ્ય નિધિ પર વ્યાજ દરમાં ઘટાડો અને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરશે, જયારે સરકારના એજન્ડામાં બજેટની દરખાસ્તો પર મંજુરી લેવા અને જમ્મુ-કાશ્મીર માટે બજેટ રજૂ કરવું એ પ્રથમ પ્રાથમિકતા હશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ સોમવારે જ જમ્મુ-કાશ્મીર માટે બજેટ રજૂ કરશે અને લંચ બ્રેક પછી તેના પર ચર્ચા થઈ શકે છે. સરકારે બંધારણ સુધારો (અનુસૂચિત જનજાતિ) ઓર્ડર બિલને લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે પણ સૂચિબદ્ધ કર્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકર આ સત્રમાં યુક્રેનની સ્થિતિ અને ભારતના વલણ પર નિવેદન આપી શકે છે.

બજેટ સત્રનો બીજો તબક્કો એવા સમયે યોજાઈ રહ્યો છે જ્યારે માત્ર ચાર દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપ અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. આવી સ્થિતિમાં સરકાર પણ વિપક્ષના આરોપોનો જડબાતોડ જવાબ આપશે અને જનાદેશના આધારે વિરોધ પક્ષોને ઘેરવાનો પ્રયાસ કરશે.

બંને ગૃહોની કાર્યવાહી એકસાથે ચાલશે

બજેટ સત્રના પ્રથમ તબક્કામાં 29 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બે અલગ-અલગ શિફ્ટમાં ચલાવવામાં આવી હતી. કોરોનાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારાને કારણે સવારે 11 વાગ્યાથી બંને ગૃહોની કાર્યવાહી એકસાથે ચાલશે.

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનું ત્રીજું બજેટ

નિર્મલા સીતારમણ પ્રશ્નકાળ પછી, કેન્દ્રશાસિત પ્રદેશની રચના પછી રાજ્યનું ત્રીજું બજેટ રજૂ કરશે. રાજ્યમાંથી કલમ 370 અને 35A નાબૂદ થયા બાદ આ ત્રીજું બજેટ હશે. અગાઉના બંને બજેટ 17 માર્ચે રજૂ કરવામાં આવ્યા હતા. બજેટમાં થોડો વધારો થઈ શકે છે. ગયા વર્ષના 1.08 લાખ કરોડની સરખામણીએ આ વખતે બજેટ લગભગ 1.10 લાખ કરોડનું હોઈ શકે છે. બજેટમાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત વિકાસ પર ભાર મુકવામાં આવી શકે છે.

કોંગ્રેસ યુક્રેન, બેરોજગારી અને EPF મુદ્દે સંસદમાં સરકારને ઘેરશે

સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં કોંગ્રેસ યુક્રેન, મોંઘવારી, બેરોજગારી અને EPFના મુદ્દાઓ પર સરકારને ઘેરશે. સોમવારથી શરૂ થતા સત્રની રણનીતિ નક્કી કરવા માટે રવિવારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. પાર્ટી આ મુદ્દાઓ તેમજ પાકની MSP વગેરે પર અન્ય વિરોધ પક્ષો સાથે સંયુક્ત વ્યૂહરચના બનાવશે.

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે જનતા સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને નક્કી કરવામાં આવ્યું હતું કે કયા મુદ્દા ઉઠાવવા જોઈએ. સંસદીય સલાહકાર સમિતિના તમામ સભ્યોએ તેમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં એજન્ડા નક્કી થયા બાદ ટીમના લીડર નક્કી કરશે કે શું કરવું. તેમણે કહ્યું કે સત્ર દરમિયાન અમે સમાન વિચારધારા ધરાવતા વિપક્ષી પક્ષો સાથે સંકલન કરીને જનહિતના મુદ્દા ઉઠાવીશું.

બેઠકમાં રાહુલ ગાંધી ગેરહાજર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સંસદીય દળની બેઠકમાં હાજર રહ્યા ન હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ નાદુરસ્ત તબિયતના કારણે તેમાં હાજરી આપી શક્યા ન હતા. એકે એન્ટની અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરી પણ બેઠકમાંથી ગેરહાજર રહ્યા હતા.

Scroll to Top